વડોદરા, તા.૧૭ 

વડોદરા શહેર-જિલ્લામાં કોરોના સંક્રમિત બનેલા વધુ ૧૦૫ કેસો નોંધાયા હતા. આ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૬૪૨૯ થઈ હતી. તદ્‌ઉપરાંત કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૨૦ દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટયા હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું હતું. જાે કે, ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ એક દર્દીનું કોરોનામાં મોત થયાનું સમર્થન આપતાં કોરોના દર્દીઓનો મૃત્યુઆંક ૧૨૧ પર પહોંચ્યો હતો. આજે ૧૫૦ દર્દીઓની હાલત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૫૧૬૩ થઈ હતી. બીજી તરફ હાલ ૧૧૪૫ જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૯૫૩ દર્દીઓની સ્થિતિ સુધારા ઉપર છે, જ્યારે ૧૪૨ દર્દીઓ ઓક્સિજન પર અને ૫૦ વેન્ટિલેટર ઉપર સારવાર આપવામાં આવી રહી હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

ગત સાંજથી આજસુધીમાં શહેરના કારેલીબાગ, અટલાદરા, જ્યુબિલીબાગ, માંજલપુર, તરસાલી, એકતાનગર, યમુના મિલ, ગોકુલનગર, સવાદ ક્વાર્ટર્સ, નવા યાર્ડ, ગોત્રી, બાપોદ, ફતેગંજ, સોમા તળાવ, વાડી, વાઘોડિયા રોડ, પ્રતાપનગર સહિત ગ્રામ્યના ડભોઈ, ભીલાપુર, કરજણ, ઉમજ, પાદરા, ભાયલી, દશરથ વગેરે વિસ્તારોમાંથી ૧૬૪૦ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૧૦૫ પોઝિટિવ અને ૧૫૩૫ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે પોઝિટિવ આવેલા દર્દીઓમાં શહેરના દક્ષિણ ઝોનમાં ૩૩, વડોદરા રૂરલમાં ૩૦, ઉત્તર ઝોનમાં ૨૧, પશ્ચિમ ઝોનમાં ૧૨ અને પૂર્વ ઝોનમાં ૯ દર્દીઓ નોંધાયા હતા. શહેરના ફતેપુરા હરિજન વાસ વીએમસી કોલોનીમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધ શ્વાસ અને થાઈરોઈડની તકલીફથી પીડાય છે. તેઓને છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ અને શ્વાસની તકલીફ થતાં ગત તા.૧૩મીના રોજ રાત્રિના સમયે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં, જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરાતાં જે પોઝિટિવ આવ્યો હતો. તે બાદ તેમને સારવાર માટે કોવિડ સેન્ટરમાં દાખલ કરાતાં જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

શિનોર તાલુકાના અવાખલ ગામે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા ૫૧ વર્ષીય વ્યક્તિ સેગવા ગામે અનાજ-કરિયાણાની દુકાનના સંચાલકના સંપર્કમાં આવતાં તેમની તબિયત લથડી હતી. ફોટોગ્રાફરનો કોરોનાનો ટેસ્ટ ખાનગી હોસ્પિટલમાં કરાતાં જે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જાે કે, તેમને હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા, તે દરમિયાન વધુ તબિયત લથડતાં ડભોઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાતાં જ્યાં સારવાર વેળા મોત થયું હતું. બંને મૃતકોની કોરોનાની પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.

માંડવી બેન્ક ઓફ બરોડાના મેનેજરનો કોરોના પોઝિટિવ આવતાં બેન્ક બંધ રખાઈ 

વડોદરા. વડોદરા શહેરના માંડવી ચાર રસ્તા પર શામળ બેચની પોળમાં આવેલ બેન્ક ઓફ બરોડાના મેનેજરને કોરોના પોઝિટિવ આવતાં બેન્કને બંધ રાખવામાં આવી હતી અને બેન્કના બિલ્ડિંગને સેનિટાઈઝેશન કરવાની તજવીજ હાથ ધરી હતી. મેનેજર કોરોના સંક્રમિત બનતાં અન્ય સ્ટાફના કર્મચારીઓ કોરોના વાઈરસની દહેશતથી ફફડી ઊઠયા છે.