હાલોલ, તા.૨૬

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના આરાધનાના પાવન પર્વ નવરાત્રીના પહેલા જ દિવસે ૨ લાખ ઉપરાંત માઇ ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા પાવાગઢની તળેટી ચાંપાનેર અને માચી તેમજ ડુંગર પર માતાજીના મંદિર સુધી ઠેર ઠેર માનવ કિડીયારૂ ઉભરાયું જાેવા મળ્યું હતું.વહેલી સવારે ૫ કલાકથી મંદિરના નિજ દ્વાર ભક્તજનો માટે ખોલી દેવતા ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારથી સાંજ સુધીમાં લાખો ભક્તોએ મહાકાલીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાકાલી માતા કી જયના ગગનભેદી નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠ્‌યું હતું. ગુજરાત મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમંાથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

  પોલીસ અને વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં લાખો માઇ ભક્તો આવવાની શક્યતાને પગલે ભક્તોના સત્કાર માટે તેમજ તેઓની સુરક્ષા સલામતી અને સુખ સુવિધા માટેની તડામાર તૈયારી કરી દીધી છે. પાવાગઢ બસ સ્ટેન્ડથી માંચી સુધી યાત્રીકોને જવા એસટી તંત્ર દ્વારા વધારાની ૫૦ બસોની વિશેષ સુવિધા ઉભી કરવામા આવી છે જ્યારે તમામ પ્રકારના નાના મોટા ખાનગી વાહનોને માચી પર જવા માટે પ્રતિંબંધ મુકાયો છે. પોલીસ દ્વારા યાત્રીકોની સુરક્ષાને લઈ સમગ્ર પાવાગઢની તળેટીથી લઈ માતાજીના મંદિર સુધી સીસીટીવીથી ચાંપતી નજર રાખવામા આવી રહી છે. પંચમહાલ એસપી હિમાંશુ સોલંકીના નેતૃત્વ હેઠળ ૨ ડીવાયએસપી, ૭ પી આઇ,૩૦ પોસઇ ૪૦૦ પોલીસ જવાન,૩૫૦ હોમગાર્ડ અને જીઆરડી કર્મચારીઓ સહિત ૭૯૦ પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવાયો છે તેમજ પાવાગઢ બસ્ટેન્ડ, માંચી,મંદિર પરિસર ખાતે મેડિકલ ઇમર્જન્સી સહિતની મેડિકલ જરૂરત માટે તબીબો સહિતની મેડિકલ ટીમને પણ તૈનાત કરાઈ છે.

પહેલા નોરતે માઈભક્તો પાર્કિંગના નામે લૂંટાયા

નવરાત્રીના પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી ધામમાં આસ્થા, શ્રદ્ધા અને શક્તિ સાથે મહાકાળીની ભક્તિ અને ઉપાસના કરવા આવેલા માઈભક્તો પાસે વાહન પાર્કિંગના નામે ઉઘાડે ચોક લૂંટફાટ મચાવવામાં આવી હતી. જાહેર રસ્તા ઉપર વાહન મૂકવાના ભક્તો પાસેથી ગેરકાયદે રીતે ૨૦૦ રૂપિયા સુધી સ્થાનિક રહીશો અને દુકાનદારો વસુલતા હોવાથી ભક્તોમાં વહીવટીતંત્ર પ્રત્યે નારાજગી જાેવા મળી હતી. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માચીમાં પાર્કિંગની સમસ્યા સર્જાતી હોવાથી ખાનગી વાહનો લઈ પાવાગઢ આવતાં માઇભક્તોને માચી સુધી વાહનો લઈ જવા દેવાતાં નથી.દર્શનાર્થીઓની સુવિધા માટે એસ.ટી. બસની જ અવર-જવર તળેટીમાંથી માચી સુધી કરવા દેવામાં આવે છે. પોતાના ખાનગી વાહનો લઈ આવેલા માઈ ભક્તોએ ફરજિયાત પોતાના વાહનો પે-પાર્કિંગમાં મુકવા પડે છે. તળેટીમાં આવેલા ત્રણ પે-પાર્કિંગમાં ફક્ત ૫ હજાર વાહનો જ પાર્ક કરી શકાય એટલી વ્યવસ્થા છે .માચીમાં ૧૫૦૦ જ વાહનો પાર્કિંગ કરી શકાય તેવી વ્યવસ્થા હોવાથી રોજ આવતા ૫૦ હજાર વાહનો માટે આ પે-પાર્કિંગની પૂરતી વ્યવસ્થાના અભાવે માઇભક્તો રોડની બાજુમાં ચાર-પાંચ કિલોમીટર સુધી પોતાના વાહનો મૂકે છે. જ્યાં સ્થાનિક દુકાનદારો ભક્તોને વાહનો મૂકવા દેતાં નથી અને પાર્કિંગના નામે કોરી પાવતી આપી ૨૦૦ વસૂલી રહ્યા છે. પાર્કિંગના નામે ગેરકાયદે વસૂલી ન થાય અને પાવાગઢ આવતાં માઈ ભક્તો છડેચોક લૂંટાય નહીં તે માટે ગ્રામ પંચાયતે પણ પત્ર લખી સ્થાનિક પોલિસને અને તંત્રને જાણ કરવામાં આવી હોવાનું તલાટીએ જણાવ્યું છે.