વડોદરા, તા.૧૬ 

કોરોના ચેપી રોગ છે અને સંસર્ગથી પ્રસરે છે. એટલે સારવાર કરનારા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ ચેપથી મુક્ત રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રે સયાજી હોસ્પિટલના કોરોના વિભાગ માટે યાંત્રિક નર્સ એટલે કે બે રોબોટ નર્સની સુવિધા દાતાઓના માધ્યમથી ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત વોર્ડના પ્રવેશદ્વારે થર્મલ સ્ક્રીનિંગ માટે ઈ.એલ.સી. થર્મલ સ્ક્રીનિંગ રોબોટની સુવિધા પણ મળી છે.

સોના ૨.૫ અને ૧.૫ સર્વિસ રોબોટ તરીકે ઓળખાતા આ રોબોટ નર્સ કોવિડના દર્દીઓને ભોજન આપવું, દવાઓ આપવી, એમના શરીરનું તાપમાન માપવું જેવી વિવિધ સેવાઓ આપી ચેપમુક્તિ જાળવવામાં ઉપયોગી બનશે. આ રોબોટ ગુજરાતી કમાન્ડ એટલે ગુજરાતીમાં મળતા આદેશો સમજી શકે છે એ એની ખાસ વિશેષતા છે. જ્યારે ઈએલસી કોવિડ-૧૯ સ્ક્રીનિંગ રોબોટ વોર્ડના પ્રવેશદ્વારે ગાર્ડ એટલે કે સુરક્ષાકર્મી જેવું કામ આપશે. તે દરવાજા પર પ્રવેશનારનું થર્મલ સ્ક્રીનિંગ એટલે કે તાપમાન માપવાની સાથે માસ્ક ડિટેકશન એલર્ટ આપશે અને સ્ટાફની હાજરી પણ પૂરશે, જેથી અનધિકૃત પ્રવેશ અટકશે.

રોબોટ નર્સ સલામ તરીકે ઓળખાતી કૃત્રિમ બુદ્ધિમત્તાના આધારે કામ કરે છે એ જે દર્દી સુધી જવાનું છે ત્યાં પહોંચવાનો રસ્તો નક્કી કરી શકે છે અને રસ્તામાં અડચણ જણાય તો રસ્તો બદલી ત્યાં પહોંચી શકે છે. આ ૧૦૦ ટકા મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે. સ્ક્રીનિંગ રોબોટ માસ્ક પહેરો, હાથ સેનિટાઇઝ કરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો જેવા સંદેશ પણ આપી શકે છે. આ રોબોટ્‌સ ૨૪ કલાક કાર્યરત રહી શકે છે અને એકવાર ૨.૫ કલાક સુધી ચાર્જ કરવાથી ૮ થી ૯ કલાક સતત કામ આપે છે.