વડોદરા

પોલીસ કમિશનર તરીકે ડો. સમશેરસિંગે આવતાંની સાથે જ જાન્યુઆરી માસમાં બિચ્છુગેંગ સામે નોંધેલા ગુજસીટોકના ગુનામાં વધુ બે આરોપીઓ પોલીસે ઝડપી પાડી ૧૫ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ર૬ પૈકી રર આરોપીઓ ઝડપાયા છે, ત્યારે ગેંગમાં નંબર-રનું સ્થાન ધરાવતા અજ્જુ કાણિયા સહિત ચાર આરોપીઓ બે માસ બાદ પણ ક્રાઈમ બ્રાન્ચની પકડથી દૂર છે. ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરનારા અસામાજિક અને ગુંડાતત્ત્વો સામે રાજ્ય સરકારે ગુજસીટોકનો કાયદો બનાવ્યો હતો. ત્યાર બાદ વડોદરામાં આ કાયદા અંતર્ગત પહેલી ફરિયાદ તા.૧૯ જાન્યુઆરીના રોજ નોંધાઈ હતી જેમાં બિચ્છુગેંગના ર૬ ગુનેગારોના નામ હતા. અત્યાર સુધી ક્રાઈમ બ્રાન્ચે જુદા જુદા સમયે બિચ્છુગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા સહિત ર૦ જણાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે બિચ્છુગેંગના વધુ બે સાગરિતોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.બિચ્છુગેંમાં નંબર-રનું સ્થાન ધરાવતા અને ખૂનખાર મુન્ના તડબૂચ સહિત બાકી રહેલા ૬ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ શોધખોળ ચલાવી રહી છે. ત્યારે બાતમીદારોના નેટવર્ક અને ટેકનિકલ સોર્સના આધારે યાકુતપુરા વિસ્તારમાંથી અજરુદ્દીન ઉર્ફે અજ્જુ ઈસ્માઈલ શેખ (રહે. યાકુતપુરા) અને ઈરફાન ઉર્ફે ખન્નાનબી શેખ (રહે. યાકુતપુરા)ની ધરપકડ કરી હતી. અત્યાર સુધી બિચ્છુગેંગના ર૬ પૈકી ૨૦ જણા ઝડપાઈ ચૂકયા હતા અને તહેવારના કારણે શહેરમાં આવેલા બીજા બે જણા ઝડપાતાં કુલ આંક રર ઉપર પહોંચ્યો છે. પોલીસે બંનેના કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા જેના રિપોર્ટ આવતાં બંનેને અદાલત સમક્ષ રજૂ કરાયા હતા. ખાસ સરકારી વકીલ રઘુવીર પંડયાની દલીલોને આધારે અદાલતે બંનેના ૧પ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંને આરોપીઓના ગુનાહિત ભૂતકાળમાં અજરુદ્દીન ઉર્ફે અજ્જુ કાણિયા સામે શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં સાત ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ઈરફાન ઉર્ફે ખન્ના સામે ૧૦ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.