બિજીંગ-

એકબીજાના હમશકલ હોવાની કે એકની જગ્યાએ બજાની બદલાઈ જવાની રમૂજી વાતો તમે હિન્દી સિનેમામાં જોઈ હશે, પણ ચીનમાં બે યુવાનોને ઠેઠ 28 વર્ષે ખબર પડી હતી કે, તેમના મા-બાપ અદલાબદલી થઈ ગયા હતા. યાઓ અને ગુઓ નામના આ બાળકોએ આ બાબતની જાણ સત્તાવાળાઓને કરી હતી. આ દાવાને ટેકો મળતાં આખરે હોસ્પિટલને આવી બેદરકારી બદલ એક કરોડ રૂપિયાથી વધારે રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

બન્યું હતું એવું કે, ચીનના કાફેંગ શહેરની હેનાન યુનિવર્સિટીની હુઆ હોસ્પિટલમાં દાખલ થયેલા બે યુગલોના નવજાત શિશુ કોઈપણ રીતે વર્ષ 1993માં બદલાઈ ગયા હતા. આમ તો બધું ઠીક ચાલતું હતું પણ 28 વર્ષે જ્યારે આ પૈકીના એક યુવાન યાઓને ખબર પડી કે તેને યકૃતનું કેન્સર છે અને સર્જરી વિના તે નહીં જીવી શકે, ત્યારે તેની માતાએ તેને પોતાના યકૃતનો હિસ્સો આપવાની તૈયારી બતાવી હતી. પરંતુ તપાસ કરતાં ખબર પડી કે તેની માતાનું યકૃત તેને મળતું આવતું નથી. તેના પરથી તપાસ કરતાં ખબર પડી હતી કે તે તેની માતા જ નહોતી, એટલું જ નહીં પણ તેના પિતા પણ તેના જન્મદાતા ન હોવાનું બહાર આવ્યું હતું. સાચી વાતની ખબર પડતા યાઓ અને તેના પરીવારે હોસ્પિટલ પર કેસ કરતાં આટલા વર્ષો સુધી તેમને પડેલી માનસિક યાતના બદલ 10 લાખ યુઆન એટલે કે આશરે રૂપિયા 1.13 કરોડનો દંડ ફટકાર્યો હતો.