જીવલેણ કોવિડ-૧૯ના નવા વેરિઅન્ટ બીએફ.૭ હાહાકાર મચાવી રહ્યો છે, તેવા સમયે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. એટલું જ નહીં, વડોદરા શહેરમાં એક વૃદ્ધામાં પોઝિટિવ બીએફ.૭ની પુષ્ટિ થઈ છે તેમ છતાં શહેરની સયાજી હોસ્પિટલમાં વહીવટીતંત્ર અને તબીબ અધિકારીઓ દ્વારા બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. એક તરફ હોસ્પિટલના તબીબ અધિકારીઓ વાતાનુકુલિત ચેમ્બરોમાં બેસી કોરોનાન નવા વેરિઅન્ટની સાવચેતીના પગલાં લેવાની સુફિયાણી શીખામણ આપી રહ્યા છે, પરંતુ તેમની જ રહેમનજર હેઠળ તાત્કાલિક સારવાર વિભાગમાં એનસીઓટીમાં બેડની અછતના કરણે અલગ અલગ પ્રકારના દર્દના દર્દીઓને એક જ પલંગ-બેડ ઉપર સારવાર આપવામાં આવી રહી છે. એક જ પલંગ-બેડ ઉપર બે-બે દર્દીઓને સારવાર આપવામાં આવતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એટલું જ નહીં, દર્દીઓને એકબીજાના ચેપ લાગવાની દહેશત પણ ફેલાઈ રહી છે. સયાજી હોસ્પિટલના તબીબ અધિકારીઓના વહીવટીતંત્રમાં જ દીવા તળે અંધારા જેવી સ્થિતિ પેદા થઈ છે. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે એ કહેવતને સત્યાર્થ કરતો કિસ્સો હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પ્રકાશમાં આવ્યો છે. આ અગાઉ પણ આ જ પરિસ્થિતિના અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થઈ ચૂકયા છે. પરંતુ તબીબ અધિકારીઓના પેટનું પાણી આજદિન સુધી હાલ્યું નથી. જેની અસર ગરીબ અને મધ્યમ વર્ગના મજબૂર દર્દીઓ અને સારવાર કરતાં આર.વન તબીબો ઉપર પડી રહી છે.