બનાસકાંઠા-

જિલ્લાના ડીસા તાલુકામાં આજે બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં એક યુવક અને એક મહિલાનું કરુણ મોત નિપજયું હતું. જેમાં કાંકરેજ તાલુકાના વડા ગામે રહેતા જેન્તીભાઈ કાંકરેચા તેમજ મુકેશ વાલ્મિકી નામના બન્ને યુવકો અમદાવાદથી લાયસન્સ કઢાવવા માટે પોતાનું બાઇક લઇને પાલનપુર RTO કચેરી તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન ડીસા આખોલ ચાર રસ્તા પાસે બ્રિજ પર વળાંકમાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક જયંતીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. 

આ સિવાય ડીસા તાલુકાના પેછડાલ પાસે પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઈકને એક ગાડીના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેનું પણ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આમ ડીસા પાસે આજે શનિવારે બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા હતા. બનાવને પગલે ડીસા તાલુકા અને આગથળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.