અમદાવાદ, કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા મેડિકલ ઓક્સીજન સિલીન્ડરો તો થીક ઓક્સીજન રેગ્યુલેટરોની પણ હવે કાળા બજારી થવા લાગી છે. જેમાં ક્રાઈમબ્રાંન્ચની ટીમે ઓક્સીજન બોટલો અને ઓક્સીજન રેગ્યુલેટરોની કાળા બજારી કરતા બે શખ્સોને ઝડપી બે સીલીંડર તથા ચાર ઓક્સીજન રેગ્યુલેટર જપ્ત કર્યા છે. બન્ને આરોપીઓ એક ઓક્સીજનની બોટલ રૂ.૧૫થી લઈ રૂ.૨૮ હજારમાં વેચતા તથા ઓક્સીજન રેગ્યુલેટર રૂ.૫૫૦૦થી રૂ.૭૫૦૦ સુધીના ભાવે વેચતા હોવાનું પુછપરછમાં જણાવ્યુ છે.

કાળા બજારીયાઓને પકડવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, એલિસબ્રિજ ટાઉન હોલ સામે કર્ણાવતી હોસ્પિટલ નીચે ભોંયરામાં સી.કે. સર્જી ડીસ્ટ્રીબ્યુટર્સ નામની દુકાનમાં જસ્મીન રાજુભાઈ બુંદેલા તથા સાગર શુકલ નાઓ ભેગા મળીને મેડિકલ ઓક્સીજન સીલીન્ડર તથા ઓક્સીજન રેગ્યુલેટરો અન્ય જગ્યાએથી વગર પાસ પરમીટે લાવી બજાર કિંમત કરતા ઉંચા ભાવે વેચાણ કરી કાળા બજારી કરી રહ્યા છે.

જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ દરોડો પાડી જસ્મીન બુંદેલા અને સાગર શુકલની ધરપકડ કરી હતી. તેમની પાસેથીથી બે ઓક્સીજન સીલીન્ડર તથા ૪ ઓક્સીજન રેગ્યુલેટર મળી કુલ રૂ.૪૪ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં બંન્ને આરોપી પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે, મેડિકલ ઓક્સીજન સીલીન્ડરો કાલુપુર ખાતે રહેતો જયમીન અને ઓક્સીજન રેગ્યુલેટર રાણીપ ખાતે રહેતા કૌશલ જાની ઉર્ફે કાનો પાસેથી લાવીને કોરોના સંક્રમિત દર્દીઓના સગા સંબંધીઓનો રૂ.૧૫ હજારથી લઈને રૂ.૨૮ હજાર સુધીના ભાગે ઓક્સીજન સીલીન્ડરો તથા રૂ.૫૫૦૦થી લઈને રૂ.૭૫૦૦ સુધીના ભાવે ઓક્સીજન રેગ્યુલેટર વેચતા હતા. બીજી બાજુ કેટલાક લોકોને આ જથ્થો વેચ્યો છે તે અંગે વધુ પુછપરછ હાથધરવામાં આવી છે.