વડોદરા : રાજ્યના યુવાધન હવે ચરસ-ગાંજાના સેવનથી આગળ વધી ડિઝાઈનર અને સિન્થેટીક ડ્રગ્સ તરફ આગળ વધી રહ્યા છે. બરબાદીના પંથે લઈ જતો આ ઘાતક નશાની પ્રવૃત્તિને નાથવા માટે રાજ્યનું પોલીસ વિભાગ સક્રિય થયું છે. એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડ દ્વારા આજે શહેરમાં આવી એસઓજીની મદદ વડે મધ્યપ્રદેશથી એમડી નામનું ડ્રગ્સ લઈ આવતા બે જણાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી ૧૬.૩૦ લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે,શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા એસ.ટી. ડેપો રોડ પર આવેલા છોટાલાલ ભવન ખાતે એમડી ડ્રગ્સની ડિલિવરી થવાની છે. જેને આધારે એટીએસની ટીમે વડોદરા એસઓજીને સાથે રાખીને રેડ પાડી હતી. જ્યાં અમાન મોહમદહનિફ શેખ (ઉં.૨૦) (રહે, ૧૯, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) અને મોહમદરીઝવાન મોહમદરસીદ ખાન (ઉં.૧૯), (રહે, ૩, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) મળી આવ્યા હતા. પોલીસે બંને પાસેથી ૧૬.૩૦ લાખ રૂપિયાની કિંમતનું ૧૬૩ ગ્રામ એમડી/મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને એનડીપીએસનો ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ, ૨૦ હજારની કિંમતના બે મોબાઇલ, રોકડા ૧૫૫૦ મળીને કુલ ૧૬,૫૧,૫૫૦ રૂપિયાનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.

પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા ડ્રગ્સ સપ્લાયર આમીરખાન લાલા (રહે. નરશાબવાલી દરગાહ, ખજરાના, ઇન્દોર, મધ્યપ્રદેશ) પાસેથી એમડી/મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી અને આ ડ્રગ્સનો આ જથ્થો વડોદરા એસ.ટી. બસ ડેપો બહાર લાલ ટી-શર્ટ અને માથે કાળી ટોપી કે જેના ઉપર સફેદ અક્ષરે એમ લખેલો હોય તેવા અજાણ્યા ઇસમને ડિલિવરી કરવાના હતા. પોલીસે ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

૨૫ દિવસ પહેલાં શહેરમાં ચાલતા એમડી ડ્રગ્સના કાળા કારોબારનો વડોદરા એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં શહેરના બહુચરાજી રોડ પર મહિલા પોતાના ઘરની તિજાેરીમાં એમડી ડ્રગ્સ રાખીને વેચાણ કરતી હતી. પોલીસે ૯૬,૨૦૦ રૂપિયાની કિંમતનું શિડયુલ ડ્રગ્સ મેથેમ્ફેટામિન અને પેન્ટાઝોસીન ડ્રગ્સના ઈન્જેકશન પોલીસે જપ્ત કર્યાં હતા અને ડ્રગ્સનું વેચાણ કરતી એક મહિલા તેમજ સાગરીત ઈમ્તિયાઝ દિવાનની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે ડ્રગ્સ સપ્લાયર મહંમદસફી દિવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. જાે કે, હજુ શહેરમાં છાનેછપને ડિઝાઈનર અને સિન્થેટીક ડ્રગ્સનું વેચાણ ચાલતું હોવાનું કહેવાય છે. જેમાં યુનિ. કોલેજાેમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત શાળામાં અભ્યાસ કરનારાઓને પણ આ ડ્રગ્સનું વળગણ હોવાનું માનવામાં આવે છે.