વડોદરા-

રાજ્યભરમાં કોરોના મહામારીની સ્થિતી વણસી રહી છે અને મહાનગરોમાં કેસો તથા મૃત્યુના આંકડાઓ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ગઈકાલે મોડીરાત્રે કોરોના દર્દીઓને ઓક્સિજન આપવામાં સહાયભૂત થતાં વેન્ટીલેટર્સની ખેપ બે ટ્રકોમાં પહોંચાડવામાં આવી હતી.

આ બાબતે સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં કોરોના પેશન્ટ્સને માટે આ વેન્ટીલટરો ઉપલબ્ધ કરાવવામાં આવશે. હૈદરાબાદથી બે ટ્રકલોડમાં આશરે 100 જેટલા વેન્ટીલેટર્સ પહોંચાડાયા હતા અને તેમને જૂદી જૂદી સરકારી હોસ્પિટલોમાં પહોંચાડવા માટે બંદોબસ્ત પણ કરી દેવાયો હતો. 

હૈદરાબાદની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવેલા આ વેન્ટીલેટર્સને જૂદી જૂદી હોસ્પિટલોમાં ગણતરીના કલાકોમાં જ ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે સરકારી તંત્ર દ્વારા બાયોમેડિકલ ઈજનેરોના સ્ટાફને પણ ખડેપગે રાખવામાં આવ્યો હતો જેથી વહેલીતકે આ સુવિધા દર્દીઓને મળી શકે.