વડોદરા, તા.૧૩ 

સમતા વિસ્તારમાં આકાર કોમ્પ્લેક્સમાં આવેલા કેનેરા બેંકના એટીએમ મશીનમાં ચેડા કરીને નાણાં ચોરીનો ઠગ ત્રિપૂટીએ વારંવાર પ્રયાસ કર્યો હતો. દરમિયાન બેંગ્લોર સ્થિત કેનેરા બેંકના હેડઓફિસથી એટીએમ મશીનમાં ચેડા થતા હોવાની અત્રે જાણ કરાતા બેંક કર્મચારીઓએ વોચ ગોઠવીને એટીએમ મશીનમાં ચેડા કરતી પરપ્રાંતીય ત્રિપૂટી પૈકીના બેને ઝડપી પાડી ગોરવા પોલીસના હવાલે કર્યા હતા.

વાસણારોડ પર રહેતા સ્મિતભાઈ પંડ્યાએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘‘ હું સમતા ચાર રસ્તા પાસે આકાર કોમ્પ્લેક્સમાં આવેલી કેનેરા બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવું છુ. અમારી બેંકની હેડઓફિસ બેંગ્લોરમાં આવેલી છે તેમજ અત્રે બેંક શાખાની બાજુમાં કેનેરા બેંકનું એટીએમ સેન્ટર છે. ગત ૫મી તારીખે મને હેડઓફિસમાં એક ઈ-મેલ મળ્યો હતો જેમાં અમારા બેંકની બાજુમાં આવેલા એટીએમમાંથી શંકાસ્પદ ટ્રાન્જેકશન થઈ રહ્યા હોઈ તે બાબતે તપાસ કરવા સુચના અપાઈ હતી.

હું તથા બેંકના અન્ય કર્મચારીઓ એટીએમ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી જેમાં અલગ અલગ સમયે સફેદ શર્ટ- સાદુ પેન્ટ તેમજ ચપ્પલ અને મોંઢા પર માસ્ક પહેરીને આવતી એક વ્યકિતએ અમારા એટીએમમાંથી પૈસા ઉપાડવાના બહાને અંદર આવીને મશીન ખોલી રૂપિયા કાઢી લેતો નજરે ચઢ્યો હતો. આ અંગેની અમે હેડઓફિસમાં જાણ કરી અમારા બેંક સ્ટાફે એટીએમ મશીનમાંથી નાણાં કાઢી લેતા ગઠિયા પર વોચ રાખવાની શરૂઆત કરી હતી.

ગત સાંજે અમારા એટીએમ સેન્ટરમાં ઉક્ત ગઠિયો તેને બે સાગરીતો સાથે અંદર આવ્યો હતો અને તેઓએ જુદા જુદા કાર્ડ નાખીને નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતા હું તેમજ બેંકનો સ્ટાફ એટીએમ પર દોડી ગયો હતો અને ઉક્ત ગઠિયા સહિતની ત્રિપુટીને ઝડપી પાડી તેઓની પુછપરછ શરૂ કરી હતી. જાેકે ફુટેજમાં જે વ્યકિત એટીએમમાંથી નાણાં કાઢી લેતો નજરે ચઢ્યો હતો તે ચકમો આપી ફરાર થયો હતો પરંતું તેના બે સાગરીતો હરિયાણાના મેવાતમાં રહેતા શાહુકાર મહેમુદખાન પઠાણ અને જાવેદ ઈદ્રીશખાન પઠાણને અમે ઝડપી પાડી ગોરવા પોલીસને સોંપ્યા હતા.’’ ગોરવા પોલીસે તેમની ફરિયાદના પગલે ઠગ ત્રિપૂટી પૈકીના બંને સાગરીતોની ધરપકડ કરી તેઓના કોરોનો ટેસ્ટ કરાવ્યો હતો. બંનેના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેઓના રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.

ગઠિયાઓના ત્રાસથી એટીએમમાં નાણાં લોડ કરાયા નહોંતા

કેનેરા બેંકના એટીએમમાં ગઠિયાઓ એટીએમ કાર્ડ સ્વીપ કરી નાણાં ઉપાડવા માટે પાસવર્ડ આપતા હતા. જાેકે મશીનમાંથી નાણાં નીકળવાનું શરૂ થતા જ તેઓ મશીનની પાછળ ખોલી રાખેલા બોક્સની સ્વીચ બંધ કરી દેતા હતા જેથી નાણાં ઉપાડવા છતાં ખાતામાં નાણાં ડેબીટ થયાની એન્ટ્રી પડતી નહોંતી. ગઠિયાઓની આ કરામતની જાણ થતાં ઉક્ત એટીએમ સેન્ટરમાં જાણી જાેઈને નાણાં લોડ કરવામાં આવ્યા નહોંતા. ગઈ કાલે પણ ગઠિયાઓએ ચારથી પાંચ એટીએમ કાર્ડ નાખી નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતું તેઓ નાણાં કાઢવામાં નિષ્ફળ રહેતા તેઓ કંટાળીને બહાર નીકળ્યા હતા .

સરકારી બેંકોના કામચોર કર્મચારીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો

સરકારી બેંકોમાં કામગીરી માટે જતા મોટાભાગના ગ્રાહકોને બેંક કર્મચારીઓ દ્વારા વારંવાર ધક્કા ખવડાવી, યોગ્ય જવાબો નહી આપી, પ્રિન્ટર ચાલતું નથી, પાસબુકો આવી નથી, બીજા કાઉન્ટર પર તપાસ કરો, ખાતામાંથી નાણાં બારોબાર ટ્રાન્સફર થયા હોય તો પોલીસમાં ફરિયાદ કરો તેવા સરકારી જવાબો આપી તેમજ ટ્રાન્જેકશન માટે બેંકમાં લાંબો સમય સુધી રાહ જાેવડાવી કંટાળી નાખતા હોવાની ફરિયાદો છે. જાેકે ઉક્ત કિસ્સામાં કેનેરા બેંકના બ્રાન્ચ મેનેજર અને સ્ટાફે ઠગાઈની જાણ થતાં પોલીસ ફરિયાદ કરીને જવાબદારીમાંથી છુટી જવાના બદલે ગઠિયાઓને શોધવા માટે જાતે વોચ ગોઠવી હતી. એટલું જ નહી ગઠિયાઓ આવ્યા હોવાની જાણ થતાં તેઓએ જાનના જાેખમે ત્રિપૂટી પૈકીના બેને ઝડપી પાડીને શહેરની અન્ય સરકારી બેન્કોના કેટલાક કામચોર કર્મચારીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

દેશવ્યાપી કૈાભાંડની શંકા હોઈ ઉચ્ચકક્ષાએ તપાસ જરૂરી

ગઈ કાલે ત્રિપુટી પૈકીના બે ગઠિયા ઝડપાયા છે પરંતું તેઓનો મુખ્ય સુત્રધાર ફરાર થયો છે. આ અંગે કેનેરા બેંકના સુત્રોએ જણાવ્યું હતું કે માત્ર કેનેરા બેંક જ નહી પરંતું દેશભરની વિવિધ બેંકોના એટીએમમાં આ જ પ્રકારે નાણાં કાઢી લેવાના બનાવો બન્યા છે. આ તમામ બનાવો પૈકી પૂના અને અન્ય સ્થળે હાલના આરોપીઓની હરિયાણાના મેવાતની ટોળકીના જ સભ્યો ઝડપાયા છે. આ ટોળકીએ દેશભરના અનેક એટીએમ સેન્ટરોમાંથી લાખો રૂપિયાની ચોરી કરી છે અને તેની જાે ઉચ્ચકક્ષાએ રજુઆત થાય તો દેશવ્યાપી કૈાભાંડનો પર્દાફાશ થવાની પણ શક્યતા છે.