વડોદરા, તા. ૧૫

હાવડા એક્સપ્રેસમાં સંભવિત દેહવેપાર માટે દલાલ યુવક સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલી બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ પાસેથી બોગસ આધારકાર્ડ મળી આવતા ત્રણેય યુવતીઓને ફતેગંજના નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ હતી. આ યુવતીની આઈબી સહિતની સેન્ટ્રલની એજન્સીઓ પુછપરછ કરે તે અગાઉ જ ત્રણેય યુવતીઓ આજે સવારે નારી સંરક્ષણ ગૃહની દિવાલ ઓળંગીને ફરાર થતા ચકચાર મચી હતી. જાેકે આ બનાવ અંગે રાજ્યભરની પોલીસને જાણ કરાતા રાજકોટ રેલવે પોલીસની એલસીબીની ટીમે ત્રણ પૈકીની બે યુવતીઓને ઝડપી પાડી હતી.

ગત ૧૧મી માર્ચના સવારે હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાં આરપીએફની ટીમે એક યુવક અને ત્રણ યુવતીઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી વડોદરા રેલવે પોલીસના હવાલે કરી હતી. પ્રાથમિક તપાસમાં આ યુવતીઓ ૨૫ વર્ષીય પોપીબેગમ ઉર્ફ ફરજાના મોહમ્મદસૈકુલ શેખ (ચંગનાગાવ, ઢાકા, બાંગ્લાદેશ),૨૪ વર્ષીય મૈાસમી ઉર્ફ સારમીન મીંટુ શેખ(નોદીયાગામ, ધામતલા, પશ્ચિમબંગાળ) અને ૨૪ વર્ષીય યાસ્મીન ઉર્ફ જન્નત જજમીયા મુસ્લીમ (રસુલપુર, નારણગંજ, પશ્ચિમબંગાળ) હોવાનું સપાટી પર આવ્યું હતું. આ ત્રણેય પાસેથી ભરુચના સરનામાવાળા બોગસ આધારકાર્ડ મળ્યા હતા જે આધારકાર્ડ તેઓની સાથે ઝડપાયેલા ૩૪ વર્ષીય નાજમુલ અલીબુદ્દીન શેખ (તારનીપુર, નાદિયા, પશ્ચિમબંગાળ) બનાવ્યાની વિગતો મળતા પોલીસે નાજમુલની ધરપકડ કરી ત્રણેય યુવતીઓને ફતેગંજ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી.

આ યુવતીઓની આઈબી તેમજ સેન્ટ્રલ એજન્સીઓ તપાસ કરે તે અગાઉ આજે સવારે ત્રણેય યુવતીઓ નારી સંરક્ષણ ગૃહની દિવાલ પાસે પ્લાસ્ટીકની ખુરશી પર પીપવાળી ડસ્ટબીન ઉંધી મુકી તેના પર ચઢીને દિવાલ ઓળંગી ફરાર થઈ હતી. આ બનાવની ફતેગંજ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ બેડામાં યુવતીઓને શોધવા દોડધામ મચી હતી. બીજીતરફ બાંગ્લાદેશી યુવતી ફરાર થતાં તેના કોઈ આતંકવાદી કનેકશન છે કે કેમ તેની તપાસ બાકી હોઈ આ અંગેની રાજ્યની પોલીસને જાણ કરાઈ હતી. આ દરમિયાન રાજકોટ રેલવે પોલીસની એલસીબીની ટીમે આજે બપોરે બાંગ્લાદેશી મૈાસમી શેખ સહિત બે યુવતીઓને ઝડપી પાડી હોવાની વિગતો સાંપડી છે. આ બંને ઝડપાતા તેઓની સાગરીત ત્રીજી યુવતી પણ ટુંક સમયમાં ઝડપાઈ જશે તેમ મનાઈ રહ્યું છે. આ બંને યુવતીઓને ફતેગંજ પોલીસના હવાલે કરવાની રેલવે પોલીસે તજવીજ શરૂ કરી છે.