વડોદરા : જિલ્લા તાલુકા પંચાયતની રવિવારે ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ગુરૂવારે રાત્રે ફતેગંજ પોલીસના વાહન ચેકિંગ દરમિયાન છાણીના બે યુવાનો ટુ વ્હીલર ઉપર રૂા.૩૯ લાખ લઇને જતા ઝડપાયા હતાં. એક તબક્કે આટલી મોટી રકમ કોઇ રાજકીય પક્ષની હોવાનું બહાર આવતાં ચકચાર મચી હતી. પરંતુ પી.આઇ.ની તપાસમાં આ રૂપિયા જમીન વેંચીને મેળવ્યા હતા અને બહેનને એનો ભાગ આપવા જતાં હોવાનું બહાર આવ્યું છે એમ ફતેગંજ પી.આઇ ખૈરએ જણાવ્યું છે.
મોડી રાત્રે ફતેગંજ પોલીસે ટુ વ્હીલરની ડીકીમાં રૂ. ૩૯ લાખ રોકડા લઈને પસાર થઈ રહેલા બે યુવાનોને ઝડપી પડયા હતા. આ રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી. તે દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. તા.૨૮ ફેબ્રુઆરીના રોજ રવિવારે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન થનાર છે. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે ચૂંટણીઓમાં મતદારોને આખરી ક્ષણે રિઝવવા માટે નાણાંની કોથળીઓ ખુલ્લી મુકવામાં આવે છે અને દારૂની રેલમછેલ થતી હોય છે. ત્યારે મોડી રાત્રે ફતેગંજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ટુ-વ્હીલર લઇને પસાર થઇ રહેલા બે યુવાનોને ઉભા રાખી તેઓના ટુ વ્હીલરની ડીકીમાં તપાસ કરતા રૂપિયા ૩૯ લાખ રોકડા મળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં રોકડ રાખવા અંગે બંને યુવાનો સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસ બંનેને પોલીસ મથક ખાતે લઇ આવી પૂછપરછ શરૂ કરી હતી. જાેકે આ રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી ને ક્યાં લઈ જવામાં આવી હતી તે અંગે હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલ ફતેગંજ પોલીસે રૂપિયા ૩૯ સાથે અટકાયત કરાયેલા બંને યુવાનો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ફતેગંજ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે રૂપિયા ૩૯ સાથે ઝડપાયેલ બંને યુવાનો
પૈકી અંકલેશ જયંતીભાઈ પટેલ (રહે ૧૯૯, મારુતિ ધામ સોસાયટી બાજવા) અને આર્યન ધર્મેન્દ્રભાઈ પટેલ (રહે, બી -૧૪૧ યોગીનગર ટાઉનશીપ, રામાકાકા ડેરી પાસે છાણી )ના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. મોડી રાત્રે રૂપિયા ૩૯ લાખ રોકડા પકડાતા આ રકમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે લઈ જવાતા હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ ની તપાસમાં ચોકાવનારી વિઞતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં કારમાં લઇ જવાતા દારૂ પકડી પાડવામાં આવ્યા હતા. અને ગત રોજ રોકડા રૂપિયા પકડાયા છે. દારૂ અને રોકડા રૂપિયાનો ઉપયોગ ચુંટણી ટાણે થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
Comments