અમદાવાદ,તા.૨૧ 

માદક દ્રવ્યોની હેરાફેરી રોકવા અને દુષણને ડામવા સક્રીય થયેલી શહેર ક્રાઇમબ્રાન્ચે લાંભા રંગોલીનગર ઓવરબ્રિજ પાસે સોમવારે વોચ ગોઠવી હતી.પોલીસે ઓટોરિક્ષામાં સુરતથી ૩૧ કિલો ગાંજાનો જથ્થો લઈને આવેલી બે વ્યક્તિને ઝડપી લીધા છે.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ચાવડાએ બાતમીને આધારે લાંભા રંગોલીનગર ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી ડ્રાઈવર સહિત બે વ્યક્તિ સાથે પસાર થતી એક ઓટોરીક્ષાને રોકી હતી. જોકે રિક્ષામાં પ્રથમ દ્રષ્ટીએ કોઈ વાંધાજનક વસ્તુ જોવા મળી નહતી. પોલીસે રૂ.૯,૪૪,૫૦૦ની મતાનો ૩૧ કિલો ૩૫૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે લઈ બે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

 પોલીસે પકડેલા શખ્સો માં ૩૨ વર્ષના આફતાબ તાહીરઅલી અંસારી રહે, ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન અને ઓટો ડ્રાઈવર શબ્બીરહુસેન અલીમૂર્તજા અન્સારી રહે,વોરાના રોઝા,ગોમતીપુરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી આફતાબ ગત રવિવારે રાત્રે તેના મિત્ર શબ્બીર જોડે ઓટોરીક્ષામાં સુરતથી ગાંજો લાવવા માટે નીકળ્યો હતો. સોમવારે બન્ને ગાંજો લઈને પરત આવતાં પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂ.૩૫૦૦,બે આધારકાર્ડ, મોબાઈલ ફોન રૂ.૭૦ હજારની રીક્ષા તેમજ ગાંજો મળી પોલીસે રૂ.૧૦,૧૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.