વડોદરા, તા.૧૬ 

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદની હેલી જામી રહી છે અને સતત વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે તેવા સમયે નાછૂટકે મહેનતકશ દેથાણા ગામના બે યુવાનો ગંગારામ વસાવા અને જયંતી વસાવા વડોદરા નજીક વાઘોડિયા રોડ પર આવેલ ખટંબા ખાતે વાસ્તુનો બાંધેલો મંડપ ખોલવા માટે તેમના ગામેથી આવી રહ્યા હતા.

આ વિસ્તારમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બંને યુવાનો વરસતા વરસાદમાં હાઈવે પર આવી રહ્યા હતા. તે દરમિયાન જાંબુઆ બ્રિજ તરફથી તરસાલી તરફ આવી રહ્યા હતા તે વેળા ડમ્પિંગ સ્ટેશન સામેના ડોર ટુ ડોર કચરો એકત્ર કરતું ડમ્પર ટ્રક પાછળ સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર ઊભું રાખવામાં આવ્યું હતું, તેની પાછળ આ બંને શ્રમજીવીઓ ભારે વરસાદને કારણે ઊભેલા ડમ્પરમાં બાઈક સાથે ધડાકાભેર ઘૂસી ગયા હતા. આ અકસ્માતમાં ગંગારામ વસાવા અને જયંતી વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાં ગંગારામ વસાવાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું, જ્યારે જયંતી વસાવાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ મકરપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃતદેહોને પોસ્ટ માર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે આ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મૃતદેહો પર ઢાંકવા કફન લઈને ફરતો પોલીસ જવાન

આજે થયેલા અકસ્માતના બનાવમાં ઘટનાસ્થળે દોડી આવેલા મકરપુરા પોલીસ મથકના હે.કો. સુરેશભાઈ ઈંગલાખિયાએ પીસીઆર વાનમાંથી કફન કાઢીને ઘટનાસ્થળે મોત પામેલા ગંગારામના મૃતદેહ પર ઢાંક્યું હતું. ઘટનાસ્થળે ભેગા થયેલા રાહદારીઓ માનવતા નેવે મુકીને અકસ્માત અને લાશના ફોટા પાડી વિડીઓ ઉતારતા હતા તે સમયે પો.કો.સુરેશભાઈનું માનવતાવાદી કાર્ય જાેઈ તમામ લોકો અચંબિત થયા હતા. ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ તરસાલી પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં ચારથી પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જેમાં ઈનોવાકારમાં બેઠેલી મહિલાનો મૃતદેહ ચુંથાઈ ગયો હતો પરંતું કોઈના પાસે મહિલાના મૃતદેહને ઢાંકવા માટે કપડુ કે કફન નહોંતું. આ દ્રશ્યથી ભારે વિચલિત બનેલા સુરેશભાઈ આ ઘટના બાદ કાયમ પીસીઆર વાનમાં સ્વખર્ચે કફન રાખે છે અને અકસ્માતમાં મોતના સમયે લાશ પર કફન ઢાંકીને મોતનો મલાજાે જાળવવાનું નિરંતર કાર્ય કરી રહ્યા છે.