સુખસર,તા.૨૭ 

  ફતેપુરા તાલુકાના સુખસરમાં લઘુમતી સમાજ તથા સિંધી સમાજ વચ્ચે તકરારમાં સિંધી સમાજના યુવાન સહિત મહિલાઓને મારામારી કરવામાં આવી હતી.જે બાબતે લઘુમતી સમાજના પાંચ ઈસમો વિરુદ્ધ એફ.આઈ.આર.દાખલ કરવામાં આવી છે.જેમાં એક યુવાનને ઇજાઓ પહોંચતા તે યુવાન હાલ સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યો છે.જે યુવાનને સુખસર પી.એસ.આઇ દ્વારા દવાખાનામાં જઇ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપવા બાબતે વીડિયો વાયરલ થતાં ટોકઓફ ધી ટાઉન બનવા પામેલ હોવાનું મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં ૨૨ જુલાઈના રાત્રિના સમયે લઘુમતી તથા સિંધી સમાજના લોકો વચ્ચે પ્રેમ પ્રકરણ સંબંધે તકરાર થઇ હતી.તેમાં લઘુમતી સમાજના ટોળાએ સિંધી સમાજના ઘરે જઈ એક યુવાન તથા મહિલાઓ સહીત નાની બાળકી સાથે મારામારી કરતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા લઘુમતી સમાજના પાંચ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મારામારીમાં ઇજાગ્રસ્ત સિંધી સમાજનો એક યુવાન હાલ સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યો છે.જેને સુખસર પી.એસ.આઇ દ્વારા દવાખાનામાં જઇ સુખસર બંધનું એલાન પાછું ખેંચી લેવડાવવા ધમકી આપવામાં આવી હોવા બાબતે વીડિયો વાયરલ થતા પરિવાર સાથે પોલીસ દ્વારા કાયદા વિરુદ્ધ ધમકી આપવામાં આવતા પોલીસની કાર્યવાહી પંથકમાં ચર્ચા ચકડોળે ચડી હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્ત સિંધી પરિવારના યુવાન દ્વારા વીડિયોમાં જણાવ્યા મુજબ સુખસર પી.એસ.આઇ બારીયા જ્યાં સિંધી પરિવારનો ઇજાગ્રસ્ત યુવાન સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યો છે તે દવાખાનામાં જઈ જણાવેલ કે, તમોએ શનિવારના રોજ સુખસર બંધનું એલાન આપ્યું છે તે રોકી દે.નહીં તો હું તારા ઉપર ફરિયાદ નોંધીશ અને હું જવાબ આપીશ.આગળ જે કંઈ બનાવ બનશે.તેના માટે તને આરોપી બનાવી તારા ઉપર અમો કાર્યવાહી કરીશું ની ધમકી આપવા બાબતે હાલ સુખસર સહીત જિલ્લામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમજ સિંધી પરિવાર દ્વારા કરવામાં આવતા આક્ષેપ મુજબ લઘુમતી સમાજના ૨૫થી ૩૦ લોકો ના ટોળાએ હુમલો કર્યો હતો છતાં પાંચ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.તેમજ મહિલાઓ સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી.અને યુવાનને માથામાં તલવાર મારી હતી.જે બાબત પોલીસ સ્ટેશનમાં જણાવવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને છાવરવાના ઇરાદાથી ધ્યાન નહીં આપી એફ.આઇ.આર.મા યુવાનને ઇંટનો ટુકડો મારવાથી ઇજાઓ થઇ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો સિંધી પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.જેને લઇ સુખસર પોલીસની કાર્યરીતિ ઉપર અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. જો કે દવાખાનામાં સારવાર લઈ રહેલા સિંધી યુવાનને સુખસર પી.એસ.આઈ દ્વારા ખરેખર ધમકી આપવામાં આવી છે કે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે?તેની સત્યતા બહાર લાવવા માટે દવાખાનાના સી.સી.ટી.વી કેમેરા ના ફૂટેજની તપાસ પણ અનિવાર્ય બની રહે છે.