વડોદરા મહાનગરપાલિકામાં ૨૫-૨૫ વર્ષ સુધી શાસનમાં રહીને દેખાવો અને સૂત્રોચ્ચાર કરવાનું ભૂલી જનાર ભાજપને પાલિકાની ચૂંટણીઓ ટાણે વિપક્ષ કોંગ્રેસની કચેરીએ ટોળાબંધ જઈને સૂત્રોચ્ચાર અને દેખાવો કરવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે આસામમાં ગુજરાત સંદર્ભમાં ઉચ્ચારેલા વિધાનને લક્ષ્ય બનાવીને શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહ અને મહામંત્રી તથા પૂર્વ મેયર સુનિલ સોલંકી કાર્યકરોના ટોળાંને લઈને કોંગ્રેસના લકડીપૂલ ખાતે આવેલા કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચી ગયા હતા. અત્યાર સુધી વિપક્ષ દ્વારા આવા સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાતા હતા. ત્યારે હવે શાસકપક્ષે વિપક્ષ જેવા સૂત્રોચ્ચાર અને દેખાવો યોજતા શાસક જાણે કે વિપક્ષની ભૂમિકામાં આવી ગયો હોય એવું દૃશ્ય સર્જાયું હતું.