વલસાડ-

ઉમરગામ તાલુકા સહિત ઉમરગામ ટાઉનમાં મંગળવારે રાત્રે અનરાધાર મેઘ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા મેઘરાજાએ આ સમગ્ર વિસ્તારને પાણીમાં ગરકાવ કરી નાખ્યો હતો. ઉમરગામ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 363 mm એટલે કે 14.52 ઇંચ વરસાદ વરસ્યો હતો.

વરસાદને કારણે કેટલાય મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. તેમજ સ્ટેશન રોડ સહિતના કેટલાક માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘર ઓફિસમાં પાણી ભરાયા હતાં. જેમાં ઘરનું રાચરસીલું અને ફર્નિચર તણાયા હતાં. લોકો કમર સુધીના પાણીમાં ફસાયા હતાં. જો કે, વહેલી સવારે વરસાદનું જોર ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 363 mm વરસાદ સાથે સિઝનનો કુલ 1034 mm વરસાદ નોંધાયો છે. જે જિલ્લાનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે.