આણંદ, તા.૧૫ 

કોરોના સંક્રમણના કેસો દિવસે દિવસે ઉમરેઠ શહેરમાં વધી રહ્યાં છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૨ જાહેર કરવામાં આવ્યું છે. અનલોક-૨ની સમય મર્યાદા મુજબ સવારના ૮થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી કામ-ધંધા માટે છૂટ આપવામાં આવી છે. મેડિકલ સ્ટોર તથા દવાખાના સિવાયના તમામને અમલવારી કરવાની રહેશે.

અન્ય જિલ્લા, રાજ્ય તથા શહેરોની વસતિ ઉમરેઠ શહેરમાં આવ-જા કરતી હોવાના કારણે ઉમરેઠ શહેરમાં સંક્રમણના કેસો વધવાની દહેશત ઊભી થઈ છે. તા.૧૬ જુલાઇથી તા.૩૧ જુલાઇ સુધીના દિવસોમાં ઉમરેઠ શહેરમાં બજારો ઉપરાંત શાકભાજી, ફ્રૂટ, લારી-ગલ્લાવાળાઓ તથા વાણિજ્ય એકમોએ સવારના ૮થી બપોરના ૪ વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકશે. તમામ વાણિજ્ય એકમો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવાનું રહેશે. તમામ વાણિજ્ય એકમોએ માસ્ક તથા સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે. તેમને ત્યાં આવતાં ગ્રાહકો પાસે પણ ગાઇડલાઇન્સ ફોલો કરાવવાની રહેશે. ઉપરોક્ત હુકમનો ભંગ થશે તો રૂ.૨૦૦ દંડ લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉમરેઠ નગરપાલિકા સવારે ૧૦થી બપોરે ૨ સુધી ખુલ્લી રહેશે

ઉમરેઠ નગરપાલિકા કચેરીનો જાહેર જનતા માટેનો સમય તા. ૧૬ જુલાઇથી તા.૩૧ જુલાઇ સુધીના સવારના ૧૦થી બપોરના ૨ વાગ્યા સુધીનો રહેશે. બાકીના સમય દરમિયાન નગરપાલિકા કચેરી પોતાના કામ માટે ખુલ્લી રહેશે.

ફ્રૂટ અને શાકભાજીની લારીઓ ગણપતિ મંદિરથી એસએનડીટી ગ્રાઉન્ડ સુધી ડિસ્ટન્સ સાથે ઊભી રાખી શકાશે ઉમરેઠ નગરપાલિકા વિસ્તારના તમામ ફળ-ફ્રૂટની લારીવાળા તથા શાકભાજીની લારીવાળાઓ તા.૧૬થી ૩૧ દરમિયાનના દિવસોમાં સવારના ૮થી બપોરના ૪ વાગ્યા સુધી ખારવાવાડી ગણપતિ મંદિરથી એસએનડીટી ગ્રાઉન્ડ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે લારીઓ ઊભી રાખી શકાશે. તેઓએ માસ્ક તથા સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે.