નવી દિલ્હી, તા. ૧૮

ભારતીય અંડર-૧૯ ક્રિકેટર અયંતી રીંગે આત્મહત્યા કરી લીધી છે. ત્રિપુરાની અંડર-૧૯ મહિલા ટીમની ખેલાડી અયંતી રિયાંગે મંગળવારે રાત્રે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. તેની પાસે સુસાઈડ નોટ મળી નથી. અયંતી ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. છેલ્લા એક વર્ષથી ત્રિપુરાની અંડર-૧૯ ટીમનો ભાગ હતી. પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર તેણે રાજ્ય તરફથી અંડર-૨૩ એજ ગ્રૂપમાં ટી-૨૦ ટૂર્નામેન્ટ પણ રમી હતી. તે રાજ્યની રાજધાની અગરતલાથી લગભગ ૯૦ કિલોમીટર દૂર રીંગ ક્ષેત્રની હતી. અયંતીના મોત પર શોક પ્રગટ કરતા ત્રિપુરા ક્રિકેટ એસોસિયેશનના સચિવ તિમિર ચંદાએ કહ્યું હતું કે, રાજ્યએ પોતાના ભવિષ્યના ટેલેન્ટને ગુમાવી દીધી છે. તે અંડર-૧૬થી જ રાજ્યની ટીમનો ભાગ હતી. તે ઘણી શાનદાર ખેલાડી હતી. તેના મોતના સમાચારે બધાને ચકિત કરી દીધા છે. ડિપ્રેશનના સવાલ પર તેમણે કહ્યું હતું કે, તે અંતિમ સિઝનમાં એકદમ યોગ્ય લાગી રહી હતી અને પછી લોકડાઉનના કારણે બધું બંધ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે, અમે કેટલાક ઓનલાઇન ક્લાસિસ આયોજીત કર્યા હતા પણ અમને તેની પારિવારિક પરેશાની વિશે ખબર ન હતી. અયંતીના મોતનું કારણ હજુ સુધી ખબર પડી નથી. પણ કહેવામાં આવે છે કે, ખાસ કરીને લોકડાઉનના કારણે પોતાના મિત્રોથી દૂર રહેવાના કારણે કેટલાક લોકો પર માનસિક દબાણ વધી ગયું છે.