વડોદરા

છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના અંતરિયાળ ગ્રામ્યના જંગલ વિસ્તારમાં રહેતી બે વ્યક્તિઓ ઉપર હિંસક રિંછણ અને વાંદરાએ આક્રમક બની ઘાતકી હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ બનેલ બંને વ્યક્તિને સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ સારવાર હાથ ધરી હતી.

પ્રથમ બનાવની વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકાના ચેથાપુરા ગામે જંગલ જેવા વિસ્તારમાં ઝુંપડું બાંધીને પત્ની અને બે નાના સંતાનો સાથે ભરતભાઈ ભીખાભાઈ રાઠવા (ઉં.વ.પપ) રહે છે અને ખેતમજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ આજે સવાર ૮ વાગ્યાની આસપાસ ખેતમજૂરીએ જવા માટે ઘરની બહાર ઊભા હતા તે વખતે એકાએક રિંછણ તેના બે નાના બચ્ચાં સાથે આવી પહોંચી હતી અને આક્રમક બની ભરતભાઈ રાઠવા ઉપર હિંસક હુમલો કર્યો હતો. જેમાં તેમને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

જ્યારે બીજા બનાવની વિગત મુજબ વડોદરા જિલ્લાના વરણામા ગામના ઝાડી-જંગલ વિસ્તારમાં રહેતા સલીમમિયા અકબરમિયા ચૌહાણ (ઉં.વ.૪પ) આજે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ મકાનના ધાબા ઉપર ઊભા હતા, તે વખતે વાંદરાઓનું ટોળું ધસી આવ્યું હતું, જેમાંથી એક વાંદરાએ સલીમભાઈ ઉપર હિંસક હુમલો કર્યો હતો. જેમાં પીંડી અને જાંઘ ઉપર બચકાં ભરી વાંદરો નાસી છૂટયો હતો. વાંદરાના હુમલામાં ઘાયલ સલીમમિયાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ સારવાર હાથ ધરી હતી.