ગાંધીનગર-

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સાત તાલુકા એવા છે કે, જ્યાં આઠ ઈંચથી સાડા તેર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં સાડા તેર ઇંચ અને મહેસાણાના કડી તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ટંકારામાં મોરબી બહુચરાજી અને સરસ્વતી તથા ઉમરપાડામાં તાલુકામાં પણ આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકથી સતત અવિરતપણે વરસાદની મહેર યથાવત છે, ત્યારે રાજ્યમાં સિઝનનો 102.2 ટકા વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 188.04 ટકા અને સૌથી ઓછો પૂર્વ-મધ્ય ઝોનમાં 79 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના સાત તાલુકાઓમાં છેલ્લાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં થઈ રહેલાં વરસાદના પરિણામે 314 જેટલા માર્ગો અસરગ્રસ્ત થયાં છે. જેમાં પંચાયત હસ્તકના 286 માર્ગોનો સમાવેશ થાય છે. સલામતી અને સાવચેતીના ભાગરૂપે આ તમામ રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવ્યાં છે.