સુરત-

રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં હાલ ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે.ત્યારે મંગળવારે સુરત શહેરમાં ચાર કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.બીજી તરફ સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.બીજી તરફ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સતત પાણીના નવા નીરની આવકના પગલે મંગળવારે સાંજે 6 કલાકે ઉકાઈ ડેમની સપાટી 333.28 ફૂટ નોંધાઈ છે. અને હજુ પણ અપનીની આવક ચાલુ હોઈને ઉકાઇનું જળસ્તર વધે તેવી સંભાવના છે. સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પણ સારો વરસાદ થઇ રહ્યો હોઈને ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ છે. સુરત જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળેલી જાણકારી અનુસાર મંગળવારે સવારે 6 કલાકથી રાત્રીના 8 કલાક સુધીમાં જિલ્લાના બારડોલીમાં 33, ચોર્યાસીમાં 43, કામરેજમાં 59, મહુવામાં 27, માંડવીમાં 4, માંગરોળમાં 7, ઓલપાડમાં 36, પલસાણામાં 83, ઉમરપાડામાં 44 જયારે સૌથી વધુ સુરત શહેરમાં 93 મિ.મી વરસાદ નોંધાયો છે.આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 1093 મિ.મી નોંધાયો છે.સુરત શહેરમાં આજે દિવસ દરમિયાન પડેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.આ લખાઈ રહ્યું છે ત્યારે સુરત શહેરમાં હાલ વીજળી થવા સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે ત્યારે, આગાહીના પગલે રાત્રીના વરસાદ વર્ષે તેવી સંભાવના છે .