ગાંધીનગર-

ગુજરાતમાં અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક સુધારા વધારા સાથે કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન  પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક માં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રી એ રાજ્યમાં 1 ઓગસ્ટ થી રાત્રી ક્રફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે.રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.કેન્દ્ર સરકાર ની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટ થી ખોલી શકાશે.

દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક -3 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ 1લી ઓગસ્ટથી દેશભરમાંથી નાઈટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. અને 5 ઓગસ્ટથી સામાજિક અંતર અને નિયમો સાથે જીમ અને યોગા સેન્ટરને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 31 ઓગસ્ટ સુધી સ્કૂલ – કોલેજ, મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ પહેલાની જેમ બંધ રહેશે.. સાથે જ જાહેર કે ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય અને ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ આગામી 1થી 31 ઑગસ્ટ દરમિયાન આ નિયમો લાગુ પડશે. જો કે ગાઇડલાઇન અનુસરીને લોકો 15મી ઑગસ્ટની ઉજવણી કરી શકશે. 31 ઓગસ્ટ,2020 સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન જાળવી રાખવાનું રહેશે. ફક્ત અત્યંત આવશ્યક હોય તેવી જ પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવશે.