વડોદરા : સમા-સાવલીરોડ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ સેન્ટર તોડીની જંગી રોકડની ચોરીને અંજામ આપવા માટે આજે મળસ્કે પગરિક્ષામાં ગેસકટર તેમજ પાના પક્કડ સહિતના સાધનો સાથે આવેલા તસ્કરોએ એટીએમની અંદરના સીસીટીવી કેમેરા પર સ્પ્રેથી કાળો રંગ લગાવ્યો હતો. જાેકે તેઓ એટીએમ તોડે તે પહેલા જ નજીક આવેલા ક્લાસના વોચમેને ગઠિયાઓએ ચોરી માટે કરેલી તૈયારીઓ જાેતા જ તેની પોલીસને જાણ કરી હતી જેના પગલે ગઠિયાઓ પગરિક્ષા સહિત તમામ સાધનો ત્યાં જ છોડીને પલાયન થયા હતા.  

સમા-સાવલીરોડ તળાવની સામે નેમીસારણ્ય કોમ્પ્લેક્સમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બ્રાન્ચની બાજુમાં આ બેંકનું એટીએમ સેન્ટર પણ કાર્યરત છે. આજે મળસ્કે સાડા ચાર વાગ્યાના અરસામાં આ એટીએમ સેન્ટરને હાઈટેક તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. કોઈને શંકા ના જાય તે માટે બુકાનીધારી એક તસ્કર પગરિક્ષામાં એટીએમ મશીન કાપવા માટે ગેસકટર, ગેસબોટલ તેમજ પાના પક્કડ લઈને એટીએમ સેન્ટર પર આવ્યો હતો. તેણે એટીએમ સેન્ટરની બહાર પગરિક્ષામાં ગેસનો બોટલ મુકી કટરનો પાઈપ એટીએમની અંદર લઈ ગયો હતો. તેણે ગેસકટરથી મશીન તોડતા અગાઉ પોતાની કરતુતો એટીએમ સેન્ટરની અંદરના સીસીટીવી કેમેરામાં કેદ ના થાય તે માટે સીસીટીવી કેમેરા પર સ્પ્રેથી કાળો રંગ લગાવી દીધો હતો.

જાેકે તે એટીએમ તોડવાની શરૂઆત કરે તે અગાઉ નજીક આવેલા એલન ક્લાસીસનો વોચમેન મનીષ નેપાલી તેના ક્લાસના સંચાલકની બાઈકને પાર્કિંગમાં મુકવા જતા તેનો અવાજ સાંભળીને ગેસબોટલ સાથે લાગેલી પાઈપને એટીએમની અંદર સુધી લઈ ગયેલો ગઠિયો કટર સહિત તમામ ચીજાે ત્યાં જ છોડીને પલાયન થયો હતો. બીજીતરફ પગરિક્ષામાં દોરી સાથે બાંધેલો ગેસબોટલ અને તેની અંદર લાંબી કરેલી કટર સાથે જાેડાયેલી પાઈપ અને અન્ય સાધનો બિનવારસી હાલતમાં જાેતા વોચમેને તુરંત પોલીસને જાણ કરી હતી. એટીએમ તોડવાનો પ્રયાસની જાણ થતાં જ સમા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે પગરિક્ષા તેમજ ગેસબોટલ સાથે જાેડેલી કટર સહિતની લાંબી પાઈપ તેમજ ટુલબોક્સ, પક્કડ અને સ્પ્રેની બોટલ સહિતની ચોરી કરવા માટેની સામગ્રી કબજે કરી હતી. આ બનાવની જાણ થતાં ઉક્ત બેંકની બ્રાન્ચ મેનેજર કાજલ બાંભણિયા એટીએમ સેન્ટર પર દોડી આવ્યા હતા અને તેમણે આ બનાવની સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એટીએમ મશીનને કોઈ નુકશાન થયું નથી તેમ જણાવ્યું હતું. આ ફરિયાદના પગલે પોલીસે આસપાસના અન્ય સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે.

શહેરના મોટાભાગના એટીએમ સેન્ટરો પર કોઈ ગાર્ડ નથી

પોલીસની પ્રાથમિક તપાસમાં ગત રાત્રે ઉક્ત એટીએમ સેન્ટર પર બેંક સત્તાધીશોએ કોઈ સિક્યુરીટી ગાર્ડ કે નાઈટ વોચમેન મુક્યો નથી તેવી વિગતો સપાટી પર આવી છે. ઉલ્લેખનીય છે શહેરમાં થોડાક સમય અગાઉ ઉપરાછાપરી એટીએમ સેન્ટરો તોડવાના બનાવો બનતા શહેર પોલીસ કમિ.એ તમામ એટીએમ સેન્ટર પર ૨૪ કલાસ સિક્યુરીટી ગાર્ડસ મુકવાનો કડક આદેશ કર્યો હતો. જાેકે પોલીસ કમિ.ના આદેશ બાદ પણ હજુ પણ મોટાભાગના એટીએમ સેન્ટરો પર રાત્રે કોઈ સુરક્ષા વ્યવસ્થા હોતી નથી. શહેર પોલીસ બેંક મેનેજરો અને જવાબદાર કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરે તો આવા બનાવો બનતા અટકશે તેમ જાણકારોનું માનવુ છે.