ખંભાત, તા.૭ 

ખંભાતના કતકપુર વિસ્તારમાં માનવતાની મહેંક પ્રસરી ઊઠી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી વાર-તહેવારે સામાન્ય કુટુંબથી આવતાં અને ઇલેક્ટ્રિકનો ધંધો કરતા જયંતિભાઈ ભગત તેમની દ્વારા લોકફાળો ઉઘરાવી માનવતાની સુવાસ પ્રસરાવી રહ્યાં છે. એકબાજુ કોરોના મહામારી વચ્ચે ગૌરીવ્રત કરતી બાળોઓને પાંચ દિવસના ઉપવાસ કરવા મોંઘવારી સમયમાં પોસાય તેમ નથી. બીજી બાજુ સુકામેવાનો ભાવ આસમાને હોય એવી કપરી પરિસ્થિતિમાં આ ટીમ દ્વારા પાંચ દિવસ ગૌરીવ્રત કરતી બાળાઓને અલગ અલગ ફળો, સૂકોમેવો, ફરાળી મીઠાઈ વહેંચી ઉમદા કાર્ય કરી રહ્યાં છે. માત્ર ગૌરીવ્રત જ નહિ શ્રાવણ માસ, તેમજ ગમે તે તહેવાર નિમિત્તે ભજનકીર્તન, પગપાળા સંઘ સહિતના ભક્તિ કાર્યોમાં આ ટીમ દ્વારા બને તેટલી મદદ કરવામાં આવે છે.આ અંગે જયંતિભાઈ ભગતે જણાવ્યું હતું કે, આવાં ગમે તે સત્કાર્યો કરવા માટે સંકલ્પ કરું ત્યારથી નામી અનામી દરેકનો સહયોગ મને સાંપડે છે. ગમે તેવો ખર્ચ થાય ઘણાં સેવાભાવી લોકો ફૂલ નહિ ફૂલની પાંખડી આપી મને મદદરૂપ થાય છે. મારાં મિત્રો, પરિવારજનો થકી જ આવા સત્કાર્યો કરવાની પ્રેરણાં મળતી રહે છે. જાકે, સામાન્ય પરિવારના જયંતિભાઈ ભગત મોટાભાગની યાત્રાઓ કરી ચૂક્યાં છે.