રાજકોટ, રાજકોટ મહાનગરમાં બ્રીજના કામોની ગતિ પકડાતી ન હોય અને પુરા શહેરને બાનમાં લેનાર ટ્રાફિક સમસ્યા હળવી થવાનું નામ લેતી ન હોય, આજે વધુ એક વખત મ્યુનિ. કમિશ્નરે બ્રીજ નિર્માણ કંપનીઓ સાથે બેઠક કરી હતી. હોસ્પિટલ ચોક સહિત પાંચે બ્રીજના કામ સમયે જ પૂરા કરવા પડશે અને હવે કોઇ મુદત વધારો આપવામાં નહીં આવે તેવું કમિશ્નરે એજન્સીઓને સ્પષ્ટ જણાવી દીધું છે.

કાલાવડ રોડ અને ૧પ૦ ફુટ રીંગ રોડને જાેડતા માર્ગે ચાર બ્રીજના કામ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ દિવાળી બાદ આ બ્રીજના કામ ઠંડા પડી જતા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સ્થળ પર દોડાદોડી કરી રહ્યા છે. મજૂરોની ખેંચના કારણે કામ ધીમુ હોવાના ખુલાસા કરતી કંપનીઓને નોટીસ પણ ફટકારવામાં આવી રહી છે. કારણ કે મેનપાવરનો પ્રશ્ર્‌ન મનપાનો નથી અને કંપનીઓને લાકડા જેવી ઓન પણ આ કામ માટે આપવામાં આવી છે.

ગઇકાલે રાજકોટ આવેલા પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ પણ રાજકોટના વિકાસ કામોની સમીક્ષા કરી હતી તે બાદ આજે મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ બે કોન્ટ્રાકટર કંપનીને મનપામાં તેડાવી હતી. કાલાવડ રોડ પર કેકેવી ચોક પરના બ્રીજ ઉપર પ્રથમ વખત મલ્ટીલેવલ બ્રીજ બની રહ્યો છે. આ જ રોડના જડ્ડુસ ચોક બ્રીજનું કામ પણ કલબ કરીને આપવામાં આવ્યું છે. આ બંને બ્રીજના કામ જાન્યુઆરી-૨૦૨૩માં પૂરા કરવાની મુદત આપવામાં આવી છે.

૧પ૦ ફુટ રોડ પર નાના મવા ચોક અને રામાપીર ચોકના ફલાયઓવરનું કામ પુરૂ કરવાની મુદત જુલાઇ ૨૦૨૨ નકકી કરવામાં આવી છે. આ કોન્ટ્રાકટ અપાયા ત્યારે નકકી કરાયેલી મુદતોમાં કોરોના કાળ પણ ધ્યાને લેવામાં આવ્યો હતો. તે બાદ અંતિમ ડેડલાઇન નકકી કરીને મનપાએ જનરલ બોર્ડમાં પણ પ્રોજેકટ પુરા થવાની તારીખો આપી હતી. પરંતુ હજુ સુધી બ્રીજના કામ ગતિ પકડતા નથી. તેવામાં તાજેતરમાં અમદાવાદમાં એક બ્રીજનો મોટો ભાગ ધસી પડતા તેના પડઘા રાજકોટ સુધી પડયા હતા. કારણ કે રાજકોટના આ નવા ચારેય બ્રીજનું કામ પણ આ જ એજન્સી રણજીત બિલ્ડકોને રાખેલું છે.હોસ્પિટલ ચોકમાં ઉંચી ઓન સાથે ૮૪ કરોડના ખર્ચે બનતા થ્રી આર્મ બ્રીજનું કામ ખોરંભે પડયા બાદ હવે કમિશ્નરે ડે નાઇટ ચાલુ રખાવ્યું છે આથી આ બ્રીજનું કામ પણ આવતા વર્ષના ઓગષ્ટ માસમાં પુરૂ થાય તેવી શકયતા છે. પરંતુ આ કામ ઉપર પણ રોજેરોજ સુપરવિઝન કરવું પડે તેવી નોબત છે. હોસ્પિટલ ચોકનું કામ અમદાવાદની એજન્સી અનંતા પ્રોકોન કંપનીને આપવામાં આવ્યું છે.

આજની મીટીંગમાં બંને કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સ્ટેટસ રીપોર્ટ મુકયો હતો. અમદાવાદમાં બનેલી ઘટના બાદ રાજકોટના કામમાં વધુ ચોકસાઇ અને સુપરવિઝન ગોઠવવા પણ સૂચના અપાઇ હતી. બ્રીજ પ્રોજેકટ ઇન્ચાર્જ સીટી ઇજનેર એચ.યુ.દોઢીયાએ ટેન્ડરથી માંડી આજ સુધીમાં થયેલી કામગીરી અંગે એજન્સી પાસેથી પ્રોગે્રેસ રીપોર્ટ લીધો હતો. હવે કોઇપણ સંજાેગો હોય પરંતુ કોન્ટ્રાકટ રાખતી સમયે નકકી કરવામાં આવેલી સમયમર્યાદામાં જ બ્રીજના કામ પૂરા કરવા કમિશ્નરે અંતિમ સુચના આપતા હવે કામ કયારે ગતિ પકડે છે અને કયારે નવા ગીયરમાં પડે છે તે પણ જાેવાનું રહેશે.