મુંબઈ

એનસીબી, બોલિવુડ ડ્રગ કેસમાં સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ કેસમાં હવે બીજી એક નવી કાર્યવાહી થઇ છે. ડ્રગ્સ કેસમાં સેલિબ્રિટી દિયા મિર્ઝાની એક્સ મેનેજર રાહિલા ફર્નીચરવાલા અને બિઝનેસમેન કરણ સજનાનીની ધરપકડ કરી લીધી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ આ કેસમાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ કેસમાં ૩૦થી વધુ લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આપને જણાવી દઇએ કે આની પહેલાં એનસીબીએ ગુરૂવારના રોજ જગપાત સિંહ આનંદની ધરપકડ કરી હતી. રિપોર્ટસના મતે જગતાપ સિંહ ડ્રગ પેડલર કરમજીત સિંહનો ભાઇ છે. 

જગપાત આ કેસમાં કરમજીતની સાથે સંપર્કમાં હતો તેના લીધે એનસીબીએ જગપાતની ધરપકડ કરી લીધી. કરમજીત સિંહની પહેલાં જ ધરપકડ થઇ ચૂકી છે. મુંબઇ એનસીબીએ ગઇકાલે ફરીથી બોલિવુડ અભિનેત્રી દિયા મિર્ઝાની પૂર્વ મેનેજર રાહિલા ફર્નીચરવાલા અને બ્રિટિશ નાગરિક કરણ સજનાનીની કેસ નંબર ૧૬/૨૦ કેસમાં ધરપકડ કરી લીધી છે. એનસીબી રાહિલા ફર્નિચરવાલાની પહેલાં પણ ધરપકડ કરી ચૂકયા છે. આપને જણાવી દઇએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે. આ ડ્રગ કેસમાં કેટલાંય લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી ચૂકયું છે.

અત્યાર સુધીમાં આ કેસમાં કેટલાંય બોલિવુડ સ્ટાર્સના નામ સામે આવી ચૂકયા છે. આ કડીમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એ બોલિવુડ સેલેબ્સના ગેઝેટસની તપાસ પણ શરૂ કરી હતી. થોડાંક દિવસ પહેલાં એનસીબીએ ૮૫ ગેઝેટસ જપ્ત કર્યા હતા. એનસીબીએ આ ગેઝેટસને તપાસ માટે ફોરેન્સિલ લેબ્સમાં મોકલ્યા હતા. અત્યાર સુધી આ કેસમાં અર્જુન રામપાલ, દીપિકા પાદુકોણ, ભારતી સિંહ જેવી કેટલીય બોલિવુડ સેલિબ્રિટીઝના નામ સામે આવ્યા હતા.