વડોદરા, તા.૧૧ 

રાજ્ય સરકારે ઉત્તરાયણ પર્વે ગાઈડલાઈન જારી કરી સાઉન્ડ સિસ્ટમ વગાડવા કે ટેરેસ પર વધુ લોકો ભેગા થવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે શહેર કોંગ્રેસ દ્વારા પતંગો સાથે દેખાવો યોજી ઉત્તરાયણ પર્વે સાઉન્ડ સિસ્ટમની તેમજ ટેરેસ પર સગાંસંબંધી અને મિત્રો સાથે ઉજવી શકે તે માટે પરવાનગી આપવાની માગ સાથે રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા રાજકીય ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે પરંતુ પ્રજાને માનસીક રાહત મળે તે માટે કાયમ ધાર્મિક પ્રસંગ અને ઉત્સાહમાં રોકટોક લગાવવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી પરિવારજનો અને મિત્રો સાથે ઉજવવામાં આવે છે. ત્યારે સરકારે આ બાતે પ્રજાના હિતમાં નિર્ણય લેવો જાેઈએ. ડી.જે. સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ પોલિટિકલ કાર્યક્રમમાં થતો હોય તો ઉત્તરાયણમાં કેમ નહીં? ખુલ્લા મેદાનો પર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ઉત્તરાયણના તહેવારની ખુશી મનાવતા હોય અને જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થાય છે તે એવા લોકોને તહેવાર ઉજવવાની પરવાનગી આપવી જાેઈએ, જ્યારે આવા મેદાનો પર પોલિટિટકલ સભાઓ થતી હોય ત્યારે સરકારને કોરોનાની મહામારી યાદ કેમ નથી આવતી? મધ્યમ અને ગરીબ વર્ગના ફલેટોમાં રહેતા હોય ત્યારે એકસાથે ઉત્તરાયણ કરવાથી જાે કોરોના વાઈરસની ગાઈડલાઈન નડતી હોય તો આ સરકારનું પગલું અયોગ્ય છે. ત્યારે ઉત્તરાયણ ૧૪ અને ૧૫એ સગાંસંબંધીઓ, મિત્રો સાથે ડી.જે. સાઉન્ડ સિસ્ટમ વગાડવાની સાથે ઉજવી શકે તે માટે પરવાનગી આપવાની માગ કરી છે.