અમદાવાદ-

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પતંગ પ્રેમીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ઉત્તરાયણમાં ધાબા ઉપરથી પડી જવાના અકસ્માત અને દોરી વાગવાના બનાવો વધે છે. જેને લઈને 108 ઈમરન્જસી સેવા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 108 ઈમરજન્સી સેવામાં 622 એમ્બ્યુલન્સ અને 4 હજારનો સ્ટાફ ખડેપગે રહેશે.

મળતી માહિતી મુજબ ઉત્તરાયણમાં ઈમરજન્સી કેસમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણને લઈને 108 ઈમરજન્સી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 2021ની ઉત્તરાયણને લઈને છેલ્લા 10 વર્ષના ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે અનુસાર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 2000 કોલ આવતા હોય છે. પરંતુ ઉત્તરાયણના દિવસે 24 ટકા અને વાસી ઉત્તરાયણના દિવસે 17 ટકાનો વધારો થાય છે. જેમાં મોટા ભાગના કેસોમાં અકસ્માત થવાથી ઇજા અને દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે. જેથી ઈરજન્સી સેવાને પહોંચી વળવા માટે 622 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. તેમજ ચાર હજારથી વધારે કર્મચારીઓ તૈનાત રહેશે. 

ઉતરાયણ ઉપર પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવોમાં પણ વધારો થાય છે. હાલ 37 કરુણા એબ્યુલન્સ પક્ષીઓની સેવામાં છે, પરંતુ ઉત્તરાયણને લઈને 50થી વધુ એબ્યુલન્સ કરુણા અભિયાન માટે ફાળવવા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ રસ્તા ઉપર પતંગ નહીં ચગાવવા શહેરીજનોને નિર્દેશ કર્યો છે.