ગાંધીનગર-

કોરોનાની સંભવીત ત્રીજી લહેરના પગલે અત્યારથી જ વેક્સિનેશનની કામગીરી સક્રિય કરવામાં આવી છે. શાકભાજીના વેપારીઓ, હોકર્સ અન્ય વેપારીઓ વગેરેને વેક્સિન લેવી જરૂરી છે. જે હેતુથી રવિવારે સ્પેશિયલ કેમ્પનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવ્યું છે. જેને જોતા ગાંધીનગરમાં પણ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તાર અને ગાંધીનગર જિલ્લામાં વેક્સિન કેમ્પ રવિવારેે ચાલુ રાખવામાં આવશે. જેમાં બાકી રહેલા વેપારીઓએ વેક્સિન ફરજિયાત લેવી પડશે.

રવિવારે વેક્સિનેશન કેમ્પ બંધ રાખવાનો આદેશ કરાયો હતો પરંતુ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં રવિવારે વેપારીઓ માટે સ્પેશિયલ પાંચ કેન્દ્રો પર વેક્સિનેશન ચાલુ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આ અંગે વધુમાં માહિતી આપતા કોર્પોરેશનના હેલ્થ અધિકારી કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ કેમ્પ ફક્ત રવિવાર પૂરતા વેપારીઓ માટે જ ચાલુ રહેશે. જેમાં સેક્ટર 21, સેક્ટર 24, સેક્ટર 7, કુડાસણ અને વાવોલમાં ચાલુ રહેશે. 31 જુલાઈ પહેલા તમામ વેપારીઓએ, શાકભાજીના વેન્ડર, હોકર્સ વગેરેએ વેક્સિન લેવી જરૂરી છે. સરકાર તરફથી વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ હેતુથી રવિવાર અંતિમ દિવસ હોવાથી સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા અને કોર્પોરેશનમાં 45 કેન્દ્ર પરથી રવિવારે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવશે. અંદાજિત 5,500 જેટલા વેપારીઓને જિલ્લામાં વેક્સિન આપવામાં આવશે.