અમદાવાદ-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી 2021ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરશે. સમગ્ર દેશને આવરી લેતું આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈયાર કરવામાં આવેલા કુલ 3006 રસીકરણ સત્ર સ્થળે આ અભિયાનના પ્રારંભ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. પ્રથમ દિવસે પ્રત્યેક સત્ર સ્થળ પર અંદાજે 100 લાભાર્થીને રસી આપવામાં આવશે.

કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીના પૂરતા પ્રમાણમાં ડોઝ પહેલાંથી જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સક્રિય સહકારથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આ જથ્થાને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો અને પ્રશાસન દ્વારા જે-તે જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમને લોક ભાગીદારીના સિદ્ધાંત સાથે અમલમાં મૂકવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સમગ્ર ગુજરાત સહિત સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ શહેર અને જિલ્લામાં આજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ થશે. શહેર અને જિલ્લાની ૧૮ હોસ્પિટલોમાં(૯ ખાનગી અને ૯ સરકારી)ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને કોરોનાની વેકસીન આપવાનો પ્રારંભ થશે. આ વેળાએ મંત્રીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.