ગાંંધીનગર-

ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનું અભિયાન ક્યારે શરૂ થશે? તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેસબુક લાઈવ થઈ વિસ્તૃત જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 11 લાખથી વધુ હેલ્થ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને પ્રથમ તબક્કામાં વેક્સિનનો ડોઝ અપાશે.સીએમ રૂપાણીએ ફેસબુક પર લાઈવ થઈ રાજ્યના નાગરિકોને સંબોધન કરતા કહ્યું હતું કે, કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે. સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે. ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે,

જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ 5 લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં લગભગ 16 હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન-અપ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. 6 રિજિયોનલ ડેપો તૈયાર કર્યા છે. ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાની સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. વધુમાં સીએમએ કહ્યું કે, વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. એક વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબઝરવેશનમાં રાખવા માટે પણ અલાયદો ઓબઝરવેશન રૂમ રાખવામાં આવશે.