વડોદરા, તા.૧૦ 

વડોદરા શહેર-જિલ્લામાં રવિવારે રાત્રે શરૂ થયેલ ધોધમાર વરસાદ મોડી રાત સુધી ખાબકયા બાદ વહેલી સવાર સુધી ઝરમર-ઝરમર વરસ્યો હતો. જેમાં સૌથી વધુ પાદરા તાલુકામાં પાંચ ઈંચ, વાઘોડિયામાં અઢી ઈંચ અને વડોદરામાં બે ઈંચથી વધુ વરસાદ થયો હતો. આજે પણ દિવસ દરમિયાન છૂટોછવાયો અડધો ઈંચ વરસાદ થયો હતો. બે ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયાં હતાં.ચોમાસાની ઋતુમાં અત્યાર સુધી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. પરંતુ રવિવારે રાત્રે વીજળીના કડાકા સાથે મધરાત સુધી જાેરદાર બેટિંગવ કર્યા બાદ વહેલી સવાર સુધી ઝરમર-ઝરમર વરસતો રહ્યો હતો. વડોદરા જિલ્લાના પાદરામાં ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત એકસાથે પાંચ ઈંચ વરસાદ વરસતાં પાદરા તાલુકો જળબંબાકાર થઈ ગયો હતો.

આ ઉપરાંત વાઘોડિયા તાલુકામાં અઢી ઈંચ અને વડોદરા શહેરમાં બે ઈંચ વરસાદ થયો હતો.

જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે છ વાગે પૂરા થયેલા છેલ્લા ર૪ કલાકમાં પાદરા તાલુકામાં ૧૨૦ મિ.મી., વાઘોડિયામાં ૬૩ મિ.મી., વડોદરામાં પપ મિ.મી., ડેસરમાં ૩૭ મિ.મી., સાવલીમાં ૩૬ મિ.મી., ડભોઈમાં ૯ મિ.મી., કરજણમાં ૭ મિ.મી. અને શિનોરમાં બે મિ.મી. વરસાદ થયો હતો. જ્યારે વડોદરા અને ડેસરમાં આજે સાંજ સુધી છૂટોછવાયો ૧૦ મિ.મી. વરસાદ થયો હતો.

સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં આજવાની સપાટી એક ફૂટ વધીને ૨૦૭.૭૫ થઈ

વડોદરા શહેરની સાથે ગત રાત્રિ દરમિયાન શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના સ્ત્રાવ વિસ્તાર હાલોલ, ભણિયારા, ધનસર વાવ, ધનોરા, પિલોલ, આજવા અને પ્રતાપપુરામાં પણ સારો વરસાદ થતાં આજવા સરોવરમાં નવા નીર આવ્યાં છે. રવિવારે સાંજે આજવાની સપાટી ૨૦૬.૫૦ ફૂટ હતી તે આજે સાંજે વધીને ૨૦૭.૭૫ ફૂટ થતાં સવા ફૂટનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, આજવા સરોવરના ૬૨ દરવાજા ૨૧૨ ફૂટે સેટ કરવામાં આવે છે તેની ઉપર સપાટી થતાં ઓવરફલો થઈને પાણી વિશ્વામિત્રી નદીમાં આવે છે.