વડોદરા-

 વડોદરા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી શાલિની અગ્રવાલના અધ્યક્ષ પદે વડોદરા વિમાની ક્ષેત્ર માટેની અેરોડ્રોમ કમિટી કાર્યરત છે. આજે કલેકટર કચેરી ખાતે આ કમિટીની બેઠક મળી હતી જેમાં એરપોર્ટ ઓથોરિટી ના સ્થાનિક સત્તાધિકારીઓ દ્વારા વડોદરા એરપોર્ટ ખાતે ઉપલબ્ધ સેવાઓ,સેવા સુધારણાના ભાવિ આયોજન ની રૂપરેખા નિદર્શન દ્વારા આપવામાં આવી હતી.આ બેઠકમાં વિમાન પ્રવાસને વધુ સુરક્ષિત બનાવવા અને વિમાની મથકની સુરક્ષાને વધુ સતેજ બનાવવા આગામી સમયમાં એરપોર્ટ ખાતે તમામ સંબંધિતો સાથે સંકલન કરી એન્ટી હાઇજેકિંગ - વિમાન અપહરણ વિરોધી કવાયત યોજવાનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.  કમિટી અધ્યક્ષ અને કલેકટરે પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિ ને અનુલક્ષીને નિર્ધારિત નિયમો પ્રમાણે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની તમામ કાળજી લેવા અને જરૂર જણાય ત્યાં સેવાઓની સમુચિત સુધારણા કરવાના દિશા નિર્દેશો આપ્યાં હતા. આ બેઠકમાં એરપોર્ટ ડિરેક્ટર,વડોદરા,શહેર પોલીસ ,સી.આઇ.એસ.એફ.,ભારતીય વાયુસેના,ગુપ્તચર શાખા અને વિવિધ એરલાઇન્સ ના એરપોર્ટ મેનેજર ઉપસ્થિત રહ્યાં હતાં.