વડોદરા-

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી ટાણે મોડી રાત્રે ફતેગંજ પોલીસે ટુ વ્હીલરની ડીકીમાં રૂ. 39 લાખ રોકડા લઈને પસાર થઈ રહેલા બે યુવાનોને ઝડપી પડયા હતા. આ રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી. તે દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.  વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન થનાર છે. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે ચૂંટણીઓમાં મતદારોને આખરી ક્ષણે રિઝવવા માટે નાણાંની કોથળીઓ ખુલ્લી મુકવામાં આવે છે અને દારૂની રેલમછેલ થતી હોય છે. ત્યારે મોડી રાત્રે ફતેગંજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ટુ-વ્હીલર લઇને પસાર થઇ રહેલા બે યુવાનોને ઉભા રાખી તેઓના ટુ વ્હીલરની ડીકીમાં તપાસ કરતા રૂપિયા 39 લાખ રોકડા મળી આવ્યા હતા. હાલ ફતેગંજ પોલીસે રૂપિયા 39 સાથે અટકાયત કરાયેલા બંને યુવાનો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.