વડોદરા-

વડોદરાના પાદરા ખાતે આવેલા સ્વામી ટાઉન હોલમાં એક મોટી દૂર્ઘટના થતા બચી હતી. સ્વામી ટાઉન હોલમાં મંગળવારે આયોજિત અન્ન વિતરણ કાર્યક્રમ અંતર્ગત લિફ્ટ ખોટકાતા ૧૨ વ્યક્તિઓ લિફ્ટમાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી.

રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં અન્ન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.દરમિયાન હોલની લિફ્ટ ખોટકાઈ જતા ૮ થી વધુ લોકો લિફ્ટમાં ફસાઈ જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.લિફ્ટની ક્ષમતા કરતા વધુ વ્યક્તિઓ લિફ્ટમાં જતા મહિલાઓ સમેત ૧૨ વ્યક્તિઓ ફસાઈ ગઈ હતી.લોકોની બુમરાણ મચતા અન્ન વિતરણમાં ઉપસ્થિત વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ સહિત લોકો દોડી આવ્યા હતા.અને લિફ્ટમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથધર્યા હતા. અંતે સ્થાનિકોના પ્રયાસો થકી લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવામાં સફળતા સાંપડી હતી.લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિઓ ભારે જહેમત બાદ બહાર નીકળતા રાહતનો શ્વાસ લીધો હતો.