વડોદરા-

ક્રિકેટના સટ્ટાની તપાસ દરમિયાન વડોદરામાં બોગસ માર્કશીટ કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં ફતેગંજના બ્લ્યુ ડાયમંડ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતાં આરોપી રેહાન અને તેના સાગરિતની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે પુરા થતા પહેલા જ વધુ એક ફરિયાદ આરોપીઓ વિરૂદ્ધ દાખલ થઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ માર્કશીટ અને સર્ટીફિકેટ માટે રૂપિયા 15 હજારથી લઈ રૂપિયા 1 લાખ સુધી વસુલતા હોવાની વિગતો બહાર આવી હતી. આંતરરાજ્ય કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની તપાસ કરવા PCBની એક ટીમ ઉદયપુર જવા રવાના થઈ છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર દિલિપ મોહિતને પોલીસે મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસે મળેલી માહિતીના આધારે વધુ ત્રણ એજન્ટો રેહાન અબરાસ અહેમદ સીદ્દીકી, કબીર મોહમદ ફારૂક બાદશાહ અને સિરાજ નાજુદ્દીન સૈયદને ઝડપી પાડયા હતા. આ અંગે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી રેહાન સિદ્દીકી ફતેગંજની મીમ ઈન્સ્ટીટ્યુટ ફોર મેનેજમેન્ટ ટેકનીકલ સ્ટડી નામની ઓફિસમાં ઈમીગ્રેશનનું કામ કરે છે. જેના ઓથા હેઠળ લાંબા સમયથી બોગસ માર્કશીટનું કૌભાંડ ચલાવતો હતો. વિદેશ જવા માંગતા કેટલાક લોકોની ઈમીગ્રેશનની ફાઈલ ચલાવવાની સાથે તેમને બોગસ ડિગ્રી સર્ટીફિકેટની પણ તે વ્યવસ્થા કરી આપતો હતો. આ દ્વારા તેણે કેટલા તત્વોને વિદેશ ભણવા મોકલ્યા છે, તથા કેટલાને નોકરી અપાવી છે, તેની પોલીસ તપાસ કરી રહી છે.