શહેરા : શહેરા એચ.પી. પેટ્રોલ પંપ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર એક્સ યુ વી કાર ચાલકે રોગ સાઈડ આવતી એક્ટિવાને બચાવવા જતાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં વડોદરાના કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ જ્યારે એકટીવા ચાલકને શરીરે નાની મોટી ગંભીર ઈજા થતાં સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારની વહેલી સવારે શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઉત્તર ભારતના પહાડી રાજ્ય ઉત્તરાખંડથી પોતાનું કામ પતાવીને વડોદરા તરફ એક્સ યુ વી કારચાલક પરત ફરી રહ્યો હતો, જે દરમ્યાન વહેલી સવારે શહેરા નજીક આવેલ એચ.પી. પેટ્રોલપંપ સામે રોગ સાઈડ આવી રહેલ એક્ટિવા ચાલકને કાર ચાલક બચાવવા જતા કાર ડીવાઈડર સાથે અથડાય હતી,આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડીવાઈડરની લોખંડની રેલીંગ એક્સ યુ વી કારમાંથી આરપાર નીકળી ગઈ હતી, બીજી તરફ કાર ચાલક પ્રણવ અશોક કુમાર શાહનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે એક્ટિવા ચાલક લાલાભાઈ ડોડિયાર રહે ગામ બોરીયા તાલુકા શહેરાને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચતા ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે ગોધરા અને ત્યારબાદ વડોદરા ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ ને જરૂરી કાર્યવાહી હાથધરી હતી, આ અકસ્માતમાં મરણ જનાર કાર ચાલક પ્રણવ શાહ વડોદરા ના ગોર્વધન રેસીડેન્સી વાસણા ભાયલી રોડ ખાતે રહેતા હતા.તેઓ ઉદ્યોગપતિ તરીકે પણ જાણીતા હોવાનું તેમના મિત્ર વર્તુળ માથી જાણવા મળેલ હતુ. જ્યારે આ બનેલા માર્ગ અકસ્માતમા પ્રણવ શાહનુ મોત થતા શાહ પરિવાર અને તેમના સગા સબંધીઓ તેમજ મિત્ર વર્તુળમા ઘેરો શોક છવાયો હતો.