વડોદરા-

આવતીકાલ તા.૧૬ જાન્યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવા ઓ બજાવનાર પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવિડ રસી મૂકવાનો પ્રારંભ થશે. જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી છે. આ અંગે જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યુ કે ભારત સરકારના નિયત પ્રોટોકોલ અને એસ.ઓ.પી.ને ચુસ્ત રીતે અનુસરીને રસીકરણની તૈયારીઓ કરવામાં આવી છે.

આવતીકાલે રસી આપવાની કામગીરી શરૂ કરવા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં સરકારી અને ખાનગી મળીને કુલ ચાર સંસ્થાઓ ખાતે રસીકરણ બુથ ઊભા કરવામાં આવ્યા છે.જ્યારે વડોદરા શહેરમાં છ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે અને પ્રત્યેક સેન્ટર ખાતે અંદાજે ૧૦૦ લાભાર્થીઓને જરૂરી તકેદારી સાથે રસી આપવામાં આવશે.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જમનાબાઇ હોસ્પિટલ ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ, કિશનવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ધારાસભ્ય  મનીષાબેન વકીલ, સત્યમ હોસ્પિટલ, છાણી ખાતે ધારાસભ્ય સીમાબેન મોહિલે, માણેજા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ધારાસભ્ય અક્ષય પટેલ, બાપ્સ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા, ધીરજ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કેતન ઈનામદાર અને સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા કોવિડ રસીકરણનો પ્રારંભ કરાવશે.  આ કેન્દ્રો ખાતે ડીપ ફ્રીઝ અને આઇ.એલ.આર. જેવી રસીને સલામત સાચવવાની સુવિધા રાખવામાં આવી છે. ડો.ઉદયે ઉમેર્યું કે રસીનો જરૂરી જથ્થો પણ રસીકરણ કેન્દ્રો ખાતે પહોંચાડવામાં આવ્યો છે.