વડોદરા-

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ફ્રન્ટ લાઈન વર્કર ના કોવીડ વિષયક રસીકરણ ની પૂર્વ તૈયારીઓ અંગે કલેકટર કચેરીના ધારાસભા હોલમાં બેઠક યોજી હતી. તેમણે સમગ્ર કામગીરીની રૂપરેખા આપીને તમામ વિભાગોને જરૂરી ડેટા એન્ટ્રી ની બાબતમાં સૂચનાઓ આપી હતી અને આ કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવા જણાવ્યું હતું. આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાનો ભારપૂર્વક અનુરોધ કરતાં તેમણે તમામ ખાતાધિકારીઓ ને આ કામગીરી પર જાતે ધ્યાન આપીને ચીવટપૂર્વક કરાવવા જણાવ્યું હતું. કોવીડ રસીકરણની પૂર્વ તૈયારીઓના સંદર્ભમાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જિલ્લા સંકલન સમિતિના સદસ્ય અધિકારીઓની બેઠક યોજીને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં તા.૧/૧/૨૦૨૧ ના રોજ જેમની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પરંતુ સહરોગો એટલે કે કોમોરબિડિતી ધરાવતા નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો ડેટા બેઝ તૈયાર કરવા કર્મચારીઓની ટુકડીઓ દ્વારા સર્વે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ચૂંટણી વખતે જે રીતે મતદાન મથક દીઠ ટુકડીઓ બનાવે છે તે રીતે ટુકડીઓની રચના કરશે.

 આ ટુકડીઓ જે તે મતદાન મથકના વિસ્તારમાં સર્વે કરીને મતદાન મથક પ્રમાણે ડેટા બેઝ એક્સેલ શીટ માં તૈયાર કરશે. તા.૧૦ થી ૧૩ મી ડીસેમ્બર સુધી સર્વે પૂરો કરી તા.૧૪ મી એ ડેટા બેઝ આપી દેવાનો છે.પ્રત્યેક તાલુકાના આરોગ્ય અધિકારીના માધ્યમથી તાલુકાનો ડેટા જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલવામાં આવશે.વડોદરા ખાતેના નાયબ કલેકટર,સ્ટેમ્પ ડયુટીને આ તમામ કામગીરીના સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. તિલાવતે વડોદરા શહેર જિલ્લામાં ફરજ બજાવતા તમામ વિભાગોના સરકારી અધિકારીઓ- કર્મચારીઓ નો ડેટા બેઝ તૈયાર કરવા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમા અધિકારીઓ હાજર રહ્યા હતા.