વડોદરા-

કોરોના ના દર્દીઓ હોસ્પિટલમાં પરિવારજનો અને પરિવાર થી દુર રહી સારવાર મેળવતા હોય છે.તેઓ દિવાળીના તહેવારનો આનંદ હોસ્પિટલમાં રહીને માણી શકે તે માટે સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

  આ અંગે જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે કોવિડ હોસ્પિટલના ચોથા માળે જેમની સ્થિતિ સામાન્ય અને સ્થિર હોય અને જેમને ખૂબ ઓછા ઓકસીજન ની જરૂર પડતી હોય તેવા દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે.તકેદારીના ભાગરૂપે આવા દર્દીઓ સાથે શનિવારના રોજ સાંજના 7.45 કલાકે દીપોત્સવી ઉત્સવ ઊજવવામાં આવશે.તેના ભાગરૂપે દિવડા પ્રગટાવવામાં આવશે અને દર્દીઓને મીઠાઈ વહેંચી વર્ષના સહુ થી મોટા તહેવારની મોજ અને મીઠાશનો અહેસાસ કરાવવામાં આવશે.આ રીતે દર્દીઓને તહેવાર પ્રસંગે હોસ્પિટલમાં જ ઘર જેવા આનંદની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ થશે.

ડો.બેલીમ એ જણાવ્યું કે કોરોના ની સારવારમાં દર્દીઓ પ્રસન્નતા ની અનુભૂતિ કરે તો મનોબળ મજબૂત બને છે.અને આ માનસિક સકારાત્મકતા રોગના મુકાબલા ની તાકાત આપે છે.આ બાબતને ધ્યાનમાં રાખીને અગાઉ નવરાત્રી પ્રસંગે શારીરિક કવાયત ને ગરબા સાથે જોડીને શક્તિ આરાધના પર્વ મનાવવામાં આવ્યું હતું.તેની જ આગળની કડી રૂપે હોસ્પિટલ સ્ટાફ અને તબીબોના સહયોગ થી આ અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જે દર્દીઓને તણાવ મુક્તિમાં મદદરૂપ બનશે અને હોસ્પિટલમાં પસાર કરવી પડેલી દીપાવલી ને યાદગાર બનાવશે.