વડોદરા-

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીમાં ઇન્ટર્નશિપ કરતી ૨૩ વર્ષીય વિદ્યાર્થીનીને ગોત્રી હોસ્પિટલમાં ફરજ દરમિયાન કોરોના સંક્રમિત બનતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ફિઝિયોથેરાપીના તબીબોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી અને તેના પરિવારને પુરેપુરો ન્યાય મળે તે માટે તબીબો એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે તેમને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના અંતરજાળ ગામે રહેતી અને શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહીને બાબરીયા કોલેજ માં તબીબી શિક્ષણ લઈને હાલ સયાજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નશિપ કરી રહેલી ૨૩ વર્ષીય નેહલ રાઠવા કોરોના સંક્રમિત બની હતી જેથી તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. તબીબ વિદ્યાર્થિનીનું મૃત્યુ થયા હોવાના સમાચાર ગોત્રી હોસ્પિટલ ના તબિબી સત્તાધીશોને કરવામાં આવી હતી છતાં પણ તેની કોઇ દરકાર ન લેતા ફિઝિયોથેરાપીના તબીબોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.  આ બનાવની જાણ વિદ્યાર્થીનીના પરિવારને કરવામાં આવતાં તેઓ અત્રે આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીની જુવેનાઈલ ડાયાબિટીસથી પીડાતી હોવાનું જણાવ્યું હતું. આ તકલીફ વિદ્યાર્થિનીએ ફિઝિયોથેરાપી વિભાગના વડાને જાણ કરવામાં આવી હતી.