વડોદરા-

વડોદરા શહેરના કારેલીબાગની એ વાજબી ભાવની દુકાન નો પરવાનો તાત્કાલિક અસર થી મોકૂફ કરવામાં આવ્યો: સંડોવાયેલા સામે કરવામાં આવી પોલીસ ફરિયાદ: દુકાનમાં થી બાકી અનાજ ખાંડ અને કઠોળનો 4194 કિલોગ્રામ પુરવઠો જપ્ત કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ તંત્ર દ્વારા કારેલીબાગ, આનંદનગરમાં વાજબી ભાવની દુકાનમાં થઈ રહેલી ગેરરીતિઓ અને સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવાની પેરવીના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કલેકટર કચેરીની પુરવઠા શાખા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 જિલ્લા પુરવઠા અધિકારીએ આપેલી જાણકારી મુજબ આ ઘટના સાથે સંકળાયેલી દુકાનનો પરવાનો તાત્કાલિક અસર થી 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો છે.સંડોવણી જણાઈ છે તેવી વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની સાથે આ દુકાનમાં થી બાકી અનાજ,ખાંડ અને કઠોળનો 4194 કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે તા.10.10.2020 ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ વડોદરા શહેર , તરફથી કારેલીબાગ આનંદ નગરમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર દિપક પટની સરકારી અનાજનો જથ્થો ખાનગી તરીકે ખપાવીને વેચવાની પેરવી કરી રહ્યા છે તેવી જાણકારી આપવામાં આવી હતી. તે માહિતી મળતા જિલ્લા પુરવઠા અધિકારી ,વડોદરા એ તાત્કાલિક મુખ્ય પુરવઠા ઇન્સ્પેક્ટર અને ટીમને સ્થળ પર રવાના કરી મુખ્ય પુરવઠા નિરીક્ષક, ની ટીમ તથા ડીસીબી પોલીસ, વડોદરા ની ટીમ સાથે રહી અને સદર જગ્યાની અને દુકાનની તપાસણી કરવામાં આવી હતી.

સદર જગ્યાએ દક્ષાબેન આર ઘાંચી ની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન હતી અને તેઓના પૂત્ર દીપક આર ઘાંચી જે ત્યાં કામ કરતા હતા. તેઓને પોલીસ અને પુરવઠા ની ટીમ દ્વારા પકડી અને જવાબ લેવામાં આવ્યો હતો . સદર તપાસણી મુજબ દુકાન ના પાછળના ભાગમાં અંદરના રૂમમાં આવેલા બીજા રૂમમાં સરકારી અનાજનો જથ્થો ખાનગી થેલીઓમાં ભરીને પેક કરીને વેચવાની તૈયારી કરતા હોવા નું જણાયું હતું અને સંબંધિતો એ તેઓના જવાબ માં આ હકીકતનો સ્વીકાર કર્યો છે.

 સદર જગ્યાએથી ખાનગી થેલીમાં પેક કરેલ સરકારી અનાજનો જથ્થો અને સરકારી/ખાનગી થેલીઓ માં પડેલો સરકારી જથ્થો મળી આવ્યો છે. સદર જથ્થા પૈકી ખાનગી થેલીમાં પેક કરેલો જથ્થો તથા ઈલેક્ટ્રીક વજન કાંટો તથા ખાલી કોથળો વિગેરે મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને સદર ઈસમો વિરુદ્ધ માં આવશ્યક ચીજવસ્તુ ધારા 1955 ની કલમ કલમ ૩ અને ૭ મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેની તપાસ ચાલુ છે. જિલ્લા પુરવઠા કચેરીના મુખ્ય પુરવઠા ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા દુકાનની તપાસ કરવામાં આવતા તેમાં જે ગેરરીતિ માલૂમ પડી છે તે ગેરરીતિઓ ના આધારે પુરવઠા કચેરી દ્વારા સદર દુકાનનો તમામ બાકી રહેલો જથ્થો- ઘઉં 2673લો ગ્રામ, ચોખા 1097 કિલો ગ્રામ ખાંડ 174 કી. ગ્રામ ચણા -250 કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અને મુખ્ય પુરવઠા ઇન્સ્પેક્ટર ના રિપોર્ટના આધારે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ તાત્કાલિક અસરથી દુકાનદાર દક્ષાબેન આર ઘાંચીનો સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે અને તેની સામે તપાસ ચાલુ કરી છે.