વડોદરા-

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી બપોર સુધીમાં 22.15 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. આજવા ડેમ ઓવરફ્લો થતાં પાણી સતત વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યુ છે પરિણામે વડોદરા શહેરમાં આવનારા પૂરના સંકટને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને પૂરની સ્થિતિને પહોંચી વળવાની તમામ પગલાંઓ ભરવામાં આવ્યા છે. NDRF અને ફાયરબ્રિગેડની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.

વડોદરા શહેર પાસે ધનિયાવીથી મકરપુરા જવાના રોડ પર જઇ રહેલા નિવૃત પી.આઇ. જાંબુવા નદીમાં પૂરના ધસમસતા પાણીમાં કાર સાથે તણાયા હતા. જેથી જીવ બચાવવા તેઓ કાર પર ચઢી ગયા હતા અને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે જાંબુવા નદીમાં ધસમસતા પાણીમાં જઇને રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેમને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા.દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત ઢાઢર નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે ઢાઢર નદીના કિનારે આવેલા 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ ડંગીવાળા ગામના રોડ ઉપર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ થઇ ગયો છે. વડોદરા માં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા ની શરૂઆત સાથે જ પુર ની સ્થિતિ ઉભી થઇ છે. વડોદરા શહેરમાં ફરી એક વખત વિરામ બાદ વરસાદ ચાલુ થતા પાણી ની આવક સતત વધી રહો રહ્યો છે.