વડોદરા,

 ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ઉપયોગિતાના વૈશ્વિક વ્યાપ સાથે તેના દુરૂપયોગથી વિવિધ પ્રકારના ગુનાનો વ્યાપ અસાધારણ રીતે વધી રહ્યો છે. તેને નિયંત્રિત કરવા ભારત સરકારના સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન માઇક્રો મિશન પ્રાજેકટ-૦૬ અંતર્ગત રાજય પોલીસને પોલીસ સ્ટેશન કક્ષાએ ક્ષમતા નિર્માણના ધ્યેયને અનુલક્ષીને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજયના તમામ કમિશ્નર અને રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો કાર્યરત કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે વડોદરા શહેરમાં વડોદરા રેન્જ હસ્તકના જીલ્લાઓમાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓના નિવારણ હેતુ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, વડોદરા રેન્જનું આજ રોજ રેન્જ આઇજી શ્રી અભય ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વડોદરા ગ્રામ્ય ડિવિઝનમાં ( વડોદરા ગ્રામ્ય અને ડભોઇ ડિવિઝન) છોટાઉદેપુર ડિવિઝન, ભરૂચ ડિવિઝનમાં (ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર ડિવિઝન) અને નર્મદા ડિવિઝનમાં (રાજપીપલા અને કેવડિયા ડિવિઝનનો) સમાવેશ કરવામાં આવ્યો છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટનમાં રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમમાં ઓનલાઇન છેતરપિંડી, ફ્રૉડ તેમજ સોસીયલ મીડિયાના માધ્યમથી વિવિધ ક્રાઇમ થઇ રહ્યા છે. તેમજ વડોદરામાં સાઇબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. તેને નિયંત્રણમાં લાવવા સરકાર દ્વારા રાજયમાં ૯ રેન્જને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરીકે નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા રેન્જ સાઇબર ક્રાઇમ બનાવવામાં આવ્યું છે. જેમાં વડોદરા ગ્રામ્ય, ભરૂચ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લા એમ મળી કુલ ૪ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.


રેન્જ આઇજી અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમને લગતા તમામ ગુનાની તપાસ કરવામાં આવશે. અને ગુનેગારને પકડવામાં આવશે.તેમજ સોશ્યિલ મીડિયાનું પણ મોનીટરીંગ કરવામાં આવશે.આ ઉપરાંત મહિલાઓ માટે પણ વિશેષ કક્ષ બનાવવામાં આવ્યો છે. મહિલાઓને ધ્યાનમાં રાખી મહિલાઓ સહેલાઈથી ફરિયાદ કરી શકે તે માટે મહિલા પોલીસ સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ નવી અદ્યતન સુવિધાઓ મહિલાઓ માટે ઉભી કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટાફને મદદ મળી રહે તે માટે હેન્ડ બુક બનાવવામાં આવી છે. જેથી તેઓ કોઈપણ સાઇબર ક્રાઇમને સહેલાઈથી ઉકેલી શકશે.

પોલીસ ઇન્સ્પેકટર આર. આર. બ્રહ્મભટે જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં પ્રથમ પોલીસ ઇન્સ્પેકટર તરીકે પી.એન પટેલ તેમજ ડી.બી વાળા આ ઉપરાંત વાયરલેસ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઠક્કર તથા ૩ અનઆર્મ અને ૨ વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ ૧૧ હેડ કોન્સ્ટેબલ અને ૨૩ કોન્સ્ટેબલની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ૧૩ મહિલા પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્ય નિયત થયેલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર કક્ષ, ફોરેન્સિક કક્ષ, ડેટા એનાલિસિસ કક્ષ, , ઇન્વેસ્ટિગેશન કક્ષ અને મહિલા કક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો છે.