વડોદરા-

હાલમાં તા.1/1/2021 ની લાયકાત તારીખને કેન્દ્રમાં રાખીને ફોટો મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા ની કામગીરી સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહી છે. તા.15/12/2020 સુધી આ કામગીરી ચાલુ રહેવાની છે.અને આ કામગીરીના ભાગરૂપે આગામી રવિવાર તા.22/11 થી લઈને તા.13/12 સુધીના ચાર રવિવારોએ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવેલ હતુ કે હવે પછીના ચાર રવિવાર તા.22/11,29/11,06/12 અને 13/12 ના રોજ તમામ મતદાન મથકો ખાતે સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી પદનામિત અધિકારીઓને ઉપસ્થિત રાખી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની સચોટ વ્યવસ્થા કરવામા આવેલ છે. જિલ્લા કલેકટર શ્રી એ વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને આગામી રવિવારોએ તેમના ઘર નજીક ના મતદાન મથક ખાતે જઈ આ ઝુંબેશનો લાભ લઈ મતદાર યાદીમાં નામ દાખલ કરવા, નામમાં જરૂરી હોય તેવા સુધારા કરાવવા સહિતના કામો માટે લેવા ખાસ અનુરોધ કર્યો છે. યાદ રહે કે વડોદરા શહેર અને જિલ્લામાં કરજણ વિધાનસભા બેઠક સિવાય તમામ બેઠકોના વિસ્તારોમાં આ કામગીરી ચાલી રહી છે.