વડોદરા-

મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના દર્દીઓથી હાઉસફૂલ થઈ છે. જેથી અન્ય વોર્ડમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. તે પૈકીના એક નવા સર્જીકલ વોર્ડમાં ઉભા કરાયેલા કોવિડ સેન્ટરમાં 100થી 150 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. સોમવારે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં સર્જીકલ વોર્ડમાં વીજ વાયર પીગળવાથી ઓક્સિજન પાઈપ લાઈનમાં લીકેજ થયું હતું. જેના કારણે ફરજ પર હાજર સ્ટાફ તેમજ દર્દીઓના જીવ પડીકે બંધાયા હતા. તુરંત સિક્યોરિટી ઈન્ચાર્જ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ઓક્સિજન ડિપાર્ટમેન્ટ દ્વારા તાબડતોડ કામગીરી શરૂ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જેથી જાનહાનિ થતા ટળી હતી. આ અંગે માહિતી આપતા સબ ફાયર ઓફિસર કૃષ્ણા નંદકિશોર સોલંકીએ જણાવ્યું હતું કે, સિક્યુરિટી સ્ટાફના ઈન્ચાર્જ અંકુરનો અમારી ઉપર કોલ આવ્યો હતો. તેથી તુરંત તેઓ સ્થળ ઉપર આવી ગયા હતા. ત્યાં ઓક્સિજન લીકેજ થતો હતો. એક નાનો સરખો વાયર તૂટી ગયો હતો અને એ વાયર પીગળવાથી તેની નીચે જે ઓક્સિજનની લાઈન હતી તેમાં લીકેજ થઈ ગયું હતું.