વડોદરા-

શહેરમાં કોરોના મહામારીના કારણે અનેક લોકો તેના ભરડામાં આવી ગયા છે અને કોરોનાએ અનેક લોકોનો ભોગ પણ લીધો છે. કોરોના મોટા ભાગે 35થી મોટી ઉંમરના લોકોને વધારે અસર કરે છે. તેવો જ એક દાખલો વડોદરાથી આવ્યો છે. વડોદરાના એક ડોક્ટર કોરોનાની ચપેટમાં આવી ગયા હતા અને તેમને ખરાબ હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યા તેમની સારવાર કરવામાં આવી હતી. જો કે, ડોક્ટરને ઘણી બીજી બીમારીઓ પણ હતી અને તેમની ઉંમર પણ 69 વર્ષ જેટલી છે, તેથી તેમને કોરોનામાં રિકવર થવામાં થોડો સમય લાગી ગયો હતો અને ડોક્ટરે સયાજી હોસ્પિટલનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

ડો.મહેશ પટેલે જણાવ્યું કે, અહીં 35/36 દિવસની સારવાર પછી હવે ઘણું સારું લાગે છે, મેં મારા પરિચિતોને કોરોનાની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જવાની ભલામણ કરી છે. અહીંના તબીબો અને સ્ટાફ મારા જેવા વડીલ દર્દીની,પોતાના માતાપિતાની સારવાર કરતાં હોય એટલા જ સ્નેહથી સારવાર કરે છે અને અમને આગ્રહ કરીને જમાડે છે. અહોભાવ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, અહીંના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ સેવકો એક ટીમની જેમ રાત દિવસ કામ કરે છે. ડોકટરો તો અદભૂત કામ કરે છે, મને વિચાર આવે છે કે રાતદિવસ કામ કરતા આ લોકો ક્યારે ભોજન લે છે એ જ મને સમજાતું નથી. તેમણે કહ્યું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કોરોનાની સારવારનું ઘણું સારું કામ થયું છે. સરકારે લોકોને નચિંત રાખ્યા છે.

ડોકટર દવા કરે છે, ભરસક પ્રયત્નો કરે છે એનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, દર્દીઓએ સારવાર કરતા તબીબોને સહયોગ આપવો જોઈએ, તેઓ કહે તે પ્રમાણે સારવારની સૂચનાઓનો અમલ કરવો જોઈએ. ડો.મહેશભાઈ તેમના દર્દીઓની સારી એવી ચાહના પામ્યા છે. દવાની સાથે એ દર્દીઓની દુવા પણ તેમને ફળી છે. હાલમાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે તેમને ખાસ રૂમમાં રાખીને દેખરેખ હેઠળ સારવાર ચાલુ રાખવામાં આવી છે. તેમને હાલમાં શ્વાસને સ્થિર કરવા થોડો-થોડો ઓકસીજન આપવામાં આવી રહ્યો છે. જેની પણ આગામી ત્રણ ચાર દિવસ પછી જરૂર નહિ રહે એવું ડો.બેલીમનું કહેવું છે. ડો. મહેશ પટેલ એક દાખલો છે. તેમના જેવા મોટી ઉંમરના, અન્ય સહરોગો ધરાવતા સંખ્યાબંધ દર્દીઓને સયાજી હોસ્પિટલમાં સમર્પિત અને નિશુલ્ક સારવાર આપીને કોરોના મુક્ત કરવામાં આવ્યા છે. ટીમ સયાજીએ સરકારી આરોગ્ય સેવાની વિશ્વસનીયતા વધારી છે.