વડોદરા

રાજ્ય ભરમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અચાનક કોરોના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચૂંટણી દરમિયાન જાહેરસભાઓ યોજી અને લોકસંપર્ક કરનાર નેતાઓ એક બાદ કોરોના પોઝિટીવ થઇ રહ્યાં છે. તાજેતરમાંજ શહેરના સાંસદ, ડભોઇના ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા હતા. તેવામાં આજે શહેરના પ્રથમ નાગરીક કેયુર રોકડિયા પણ કોરોના પોઝિટીવ થયા છે.

ચૂંટણીઓ બાદ એકા એક કોરોનાનો રાફળો ફાટી નિકળ્યો હોય એમ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ છે. હાલની વણસેલી પરિસ્થિતિને જોતા ફરી એક વખત વર્ષ 2020નુ પુનાવર્તન થતું જોવા મળ્યું છે. OSD ડો. વિનોદ રાવ ફરી એક વખત વડોદરા આવી પહોંચતા સ્થિતિને નિયંત્રણમાં લાવવાના સતત પ્રયાસો કરી રહ્યાં છે. છતાંય કોરોના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહીં છે. સરકારી આંકળા મૂજબ ગતરોજ 145 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ જોવા મળ્યાં હતા.

તેવામાં શહેરના નવનિયુક્ત મેયર કેયુર રોકડિયાની તબીયત લથડતા તેમણે તાત્કાલીક RTPCR ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે, થોડા દિવસો પહેલા જ શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા), શબ્દશરણ બ્રહ્મભટ્ટ કોરોના પોઝિટીવ થયા હતા. ત્યારબાદ શહેરના મેયર પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. જે અંગે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ ફેસબુક ઉપર આજરોજ બપોરે 12:45 વાગ્યે પોસ્ટ કરી જણાવ્યું હતું કે, “છેલ્લા 3,4 દિવસથી કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા covid -19 માટે RTPCR ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવેલ છે.ડોક્ટરની સલાહ પ્રમાણે હોમ ક્વોરંટાઇન છું. છેલ્લા 3 દિવસ દરમિયાન મારા સંપર્કમાં આવેલ સૌને કાળજી રાખવા તથા ટેસ્ટ કરાવી લેવા વિનંતી”…!